Bharuch Municipality: ભરૂચ પાલિકામાં વિકાસકામોને લઈ સત્તાપક્ષ-વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી: પ્રમુખની ચેમ્બરમાં જ કોંગ્રેસનું ધરણા પ્રદર્શન

Arati Parmar
3 Min Read

Bharuch Municipality: ભરૂચ પાલિકામાં વિકાસકામોને લઈ સત્તાપક્ષ-વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી: પ્રમુખની ચેમ્બરમાં જ કોંગ્રેસનું ધરણા પ્રદર્શન

By: પ્રજ્ઞેશ પાટણવાડીયા, ભરૂચ

- Advertisement -

ભરૂચ:
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૧૧માં વિકાસકામોમાં વિલંબ અને અધૂરા કામોના મુદ્દે પાલિકા કચેરીમાં રાજકીય માહોલ ગરમાયો હતો. વિકાસના પ્રશ્નોને લઈ પહોંચેલા કોંગ્રેસના સભ્યો અને કાર્યકરોએ પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાની ચેમ્બરમાં જ ધરણા પર બેસી સૂત્રોચ્ચાર શરૂ કરતાં ભારે હોબાળો મચ્યો હતો. કોંગ્રેસના વિપક્ષી સભ્યો સલીમ અમદાવાદી, શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, જીગ્નેશ બ્રહ્મભટ્ટ, ઝુબેર પટેલ, નિખિલ શાહ સહિતના આગેવાનો અને કાર્યકરોએ વોર્ડ નંબર ૧૧માં પેવર બ્લોક, ડ્રેનેજ અને રસ્તાના કામો લાંબા સમયથી અધૂરા હોવાનો આક્ષેપ કરી તાત્કાલિક કામગીરીની માંગ કરી હતી. રજૂઆત દરમિયાન બંને પક્ષ વચ્ચે વાતચીત ઉગ્ર બોલાચાલીમાં ફેરવાતાં ચેમ્બરમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.

કોંગ્રેસના સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે જનતાના પ્રશ્નો સાંભળવાને બદલે પાલિકા પ્રમુખે ભવિષ્યમાં પાંચથી વધુ લોકો રજૂઆત કરવા આવશે તો પોલીસ બોલાવવાની ચીમકી આપી હતી. આ આક્ષેપ બાદ કોંગ્રેસના કાર્યકરો ચેમ્બરમાં જ બેસી વિરોધ નોંધાવ્યો, જોરદાર નારેબાજી કરી અને પોલીસ બોલાવી ધરપકડ કરવાની વાત કરાઈ હોવાનો પણ દાવો કર્યો. બીજી તરફ પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ કોંગ્રેસના તમામ આક્ષેપોને ફગાવી દીધા હતા. તેમણે જણાવ્યું હતું કે વોર્ડ નંબર ૧૧માં ડ્રેનેજ અને પેચવર્કની કામગીરી ચાલી રહી હોવાથી પેવર બ્લોક અસ્થાયી રીતે દૂર કરવામાં આવ્યા છે. કામગીરી પૂર્ણ થયા બાદ પેવર બ્લોક ફરીથી બિછાવી દેવામાં આવશે અને વિકાસકામોમાં કોઈ પ્રકારની બેદરકારી રાખવામાં આવી નથી. વિકાસકામોના મુદ્દે સર્જાયેલો આ વિવાદ હવે ખુલ્લા રાજકીય ટકરાવમાં ફેરવાતાં શહેરના રાજકારણમાં નવી ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને પાંચથી વધુ લોકો રજૂઆત કરવા આવશે તો પોલીસ બોલાવવાની વાતને લઈને કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે, જ્યારે પાલિકા પ્રમુખે આવા આક્ષેપોને નકારી કાઢ્યા છે.

- Advertisement -

Bharuch Municipality

બોક્સ:
“લોકશાહી રાજ ખતમ, સામુખત્યારશાહી રાજ શરૂ” : સમસાદ અલી સૈયદ

- Advertisement -

પાલિકામાં થયેલી ઉગ્ર બોલાચાલી બાદ કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદે જણાવ્યું હતું કે, શરૂઆતમાં પાલિકા પ્રમુખે રજૂઆત સાંભળી હતી અને વોર્ડ નંબર ૧૧ની સ્થળ તપાસ કરીને કામગીરી કરવાની ખાતરી પણ આપી હતી. પરંતુ ત્યારબાદ આવેલા એક ફોન કોલ પછી તેમનો અભિગમ બદલાઈ ગયો અને તેમણે ભવિષ્યમાં પાંચથી વધુ લોકો રજૂઆત કરવા આવશે તો પોલીસ બોલાવવાની વાત કરી હતી. સમસાદ અલી સૈયદે આક્ષેપ કર્યો હતો કે, “વિપક્ષને જનતાના પ્રશ્નો રજૂ કરવાનો પણ અધિકાર ન રહે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. સત્તાના નશામાં નેતાઓ મદમસ્ત બન્યા છે. હાલની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે લોકશાહી રાજ ખતમ થઈ રહ્યું છે અને સામુખત્યારશાહી રાજ શરૂ થઈ ગયું છે.”

Share This Article