Bharuch Road Accident: બે બહેનોએ ગુમાવ્યો એકનો એક ભાઈ, માતાએ ગુમાવ્યો આશાસ્પદ દીકરો; વળતર અને જવાબદારો સામે કાર્યવાહીની ઉઠી માંગ
By: પ્રજ્ઞેશ પાટણવાડીયા, ભરૂચ.
ભરૂચ:
ભરૂચ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ વધુ એક યુવાન માટે જીવલેણ સાબિત થયો છે. શહેરના સ્ટેશન રોડ પર રાત્રિના દોઢ વાગ્યાના અરસામાં બનેલા ગમખ્વાર અકસ્માતમાં રોડ પર અચાનક રેલીંગ કૂદી આવેલા ગધેડા સાથે મોપેડ અથડાતાં ૨૭ વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ સરસ્વતી ચાલમાં રહેતા ચિરાગ બાબુભાઈ પરમાર (ઉર્ફે ચિન્ટુ) તરીકે થઈ છે. ચિરાગ ઝાડેશ્વર રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં એક્સ-રે મશીન ઓપરેટર તરીકે ફરજ બજાવતો હતો અને પરિવારનો મુખ્ય આધાર હતો. વર્ષો પહેલાં પિતાનું અવસાન થતાં માતા અને બે બહેનોની જવાબદારી તેના ખભા પર હતી. અકસ્માતમાં ગધેડા સાથે અથડાયા બાદ ચિરાગ તૂટેલી લોખંડની રેલીંગ સાથે જોરદાર અથડાયો હતો. માથા અને ચહેરાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટનાથી સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. મોટી બહેનના લગ્ન કરાવનાર ચિરાગ હવે નાની બહેનનું કન્યાદાન કરવાની પોતાની ઈચ્છા અધૂરી મૂકી ગયો છે.
વિપક્ષી કોર્પોરેટર જીગ્નેશ બ્રહ્મભટ્ટે આ ઘટનાને ભરૂચ નગરપાલિકાની ગંભીર બેદરકારી ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે ગધેડા સાથે અથડાયા બાદ યુવાન રેલીંગ સાથે અથડાતો જોવા મળે છે. તેમ છતાં શહેરમાં રખડતા પશુઓ સામે અસરકારક કાર્યવાહી ન થવાને કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. તેમણે મૃતકના પરિવારને યોગ્ય આર્થિક વળતર, જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી અને શહેરમાંથી રખડતા પશુઓને પકડી પાંજરાપોળમાં ખસેડવા માટે તાત્કાલિક અભિયાન શરૂ કરવાની માંગ કરી છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર સવાલ ઊભો કર્યો છે કે શહેરમાં રખડતા પશુઓના વધતા ત્રાસ સામે તંત્ર ક્યારે કડક પગલાં ભરશે કે પછી આવી કરુણ ઘટનાઓ સતત બનતી રહેશે?

બોક્સ:
પોલીસ ફરિયાદના લખાણને લઈને ઉઠ્યા સવાલ
અકસ્માત બાદ નોંધાયેલી પોલીસ ફરિયાદના લખાણને લઈને જાગૃત નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મૃતકે પોતાની એક્ટિવા “પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લોખંડની રેલીંગ સાથે અથડાવી પોતાનું મોત નિપજાવ્યું.” જોકે ઘટનાના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે રોડ પર અચાનક રેલીંગ કૂદી આવેલા ગધેડા સાથે અથડાયા બાદ વાહનચાલક રેલીંગ સાથે અથડાયો હતો. આવી સ્થિતિમાં પોલીસ ફરિયાદમાં ઘટનાની હકીકતનો પૂરતો ઉલ્લેખ ન થતાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી વાસ્તવિક પરિસ્થિતિના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

