Pradhan Mantri Gram Sadak Yojana: મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં રૂપિયા 5005 કરોડની બજેટ જોગવાઈ સામે રૂા.3108 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં કુલ રૂપિયા 5751 કરોડના મંજૂર પ્રોજેકટ મૂલ્ય સામે રૂ. 5102 કરોડનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. જેને કારણે રાજ્યમાં હજી કાચા રસ્તાઓની લંબાઈ 6068 કિ.મી છે જે કુલ રસ્તાના 11.62 % છે. આ ઉપરાંત વર્ષ 2014-15 સુધી જે કેન્દ્રનો હિસ્સો 100 ટકા હતો તે વર્ષ 2015-16 થી કેન્દ્રનો હિસ્સો 60 ટકા અને રાજ્યનો 40 ટકા કરવામાં આવ્યો છે.
રાજ્યમાં વર્ષ 2022-23ના અંતે નોન-પ્લાન રસ્તાની કુલ લંબાઈ 49,580 કિ.મી. હતી. વધુમાં, વર્ષ 2023-24 દરમિયાન મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના, કિસાનપથ યોજના વગેરે અંતર્ગત નવા 2644 કિ.મી.ના રસ્તાઓ પૂર્ણ કરવામાં આવતાં વર્ષ 2023-24ના અંતે નોન-પ્લાન રસ્તાઓની કુલ લંબાઈ વધીને 52,224 કિ.મી. થઈ હતી. વર્ષ 2023-24ના અંતે નોન-પ્લાન રસ્તાઓની કુલ લંબાઈ 52224 કિ.મી. પૈકી પાકા રસ્તાઓની લંબાઈ 46156 કિ.મી. (88.38 ટકા) હતી, જ્યારે કાચા રસ્તાઓની લંબાઈ 6068 કિ.મી. (11.62 ટકા) હતી.
માહિતી પ્રમાણે વર્ષ 2023-24ના અંતે 80706 કિ.મી.ના કુલ રસ્તાઓ પૈકી 6722 કિ.મી. રાષ્ટ્રીય ધોરી માર્ગો, 15738 કિ.મી. રાજ્ય ધોરી માર્ગો, 20153 કિ.મી. મુખ્ય જિલ્લા માર્ગો, 10052 કિ.મી. અન્ય જિલ્લા માર્ગો અને 28041 કિ.મી. ગ્રામ્ય માર્ગો હતાં. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો પ્રારંભ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2000-2001થી કરવામાં આવી છે. આ યોજના હેઠળ લાયકી ધોરણમાં આવતા હોય તેવા 500 થી વધુ વસતિના નોર્મલ તથા 250 થી વધુ વસતિવાળા આદિજાતિ પરાઓને વસતિ ગણતરી 2001ની સ્થિતિએ બારમાસી રસ્તાઓથી જોડાણ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
વર્ષ 2000 થી 2014-15 સુધી કેન્દ્રનો હિસ્સો 100 ટકા હતો, જ્યારે વર્ષ 2015-16થી કેન્દ્રનો હિસ્સો 60 ટકા અને રાજ્યનો 40 ટકા કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ વર્ષ 2024-25 સુધી (17મી જાન્યુઆરી, 2025 અંતિત), મંજૂરી મળેલ 15554 કિ.મી.ના રસ્તા સામે 15330 કિ.મી.ના રસ્તાઓ પૂર્ણ કરવામાં આવ્યા છે અને કુલ રૂા. 5751.00 કરોડના મંજૂર પ્રોજેક્ટ મૂલ્ય સામે રૂા. 5102.00 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2016-17થી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ વર્ષ 2024-25 (ડિસેમ્બર-2024 અંતિત) દરમિયાન 7000 કિ.મી.ના રસ્તાઓના લક્ષ્યાંક સામે કુલ 3768 કિ.મી. રસ્તાઓ પૂર્ણ કરવામાં આવ્યા છે અને રૂા.5005 કરોડની બજેટ જોગવાઈ સામે રૂા.3108 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

