Sonam Wangchuk Protest: નવા ભારતમાં સવાલો અને સંઘર્ષ, સોનમ વાંગચૂકનું આંદોલન અને સુરત માટે ઐતિહાસિક રાહત પેકેજ

Arati Parmar
2 Min Read

Sonam Wangchuk Protest: દિલ્હીના જંતર-મંતર પર છેલ્લા ૧૮ દિવસથી એક અવાજ ગુંજી રહ્યો છે. લદ્દાખના જાણીતા શિક્ષણવિદ અને પર્યાવરણવિદ સોનમ વાંગચૂક દેશના શિક્ષણ તંત્રમાં વ્યાપક સુધારા અને પરીક્ષાની ગરીમા બચાવવા માટે અનિશ્ચિત મુદ્દતના ઉપવાસ પર બેઠા છે. મેડિકલ પ્રવેશ પરીક્ષા ‘નીટ’ (NEET) ૨૦૨૬માં થયેલી ગેરરીતિ અને પેપર લીકના મુદ્દાથી શરૂ થયેલી આ લડત હવે દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સુધી પહોંચી છે. સોનમ વાંગચૂકનું માનવું છે કે પરીક્ષા પદ્ધતિની નિષ્ફળતા અને માનસિક તણાવને કારણે જીવ ગુમાવતા વિદ્યાર્થીઓ માટે ન્યાયની માંગ કરવી એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે.

આ આંદોલનની ખાસ વાત એ છે કે, જે દેશના મુખ્ય મીડિયાએ આ મુદ્દાને ગંભીરતાથી નથી લીધો, તે મુદ્દાને આજે ન્યુયોર્ક ટાઈમ્સ અને બીબીસી જેવા વૈશ્વિક માધ્યમો દુનિયા સુધી પહોંચાડી રહ્યા છે. સતત ઉપવાસને કારણે સોનમ વાંગચૂકનું વજન ૮ થી ૯ કિલો ઘટી ગયું છે અને તેમનું સુગર લેવલ પણ ખૂબ જ નીચું ગયું છે. દિલ્હી હાઈકોર્ટે પણ સરકાર પાસે તેમના સ્વાસ્થ્યને બચાવવા માટે પગલાં લેવા અંગે જવાબ માંગ્યો છે. આ સ્થિતિ ૨૦૧૮માં ગંગા નદી માટે ૧૧૧ દિવસ ઉપવાસ કરી પોતાના પ્રાણ ત્યાગનાર જાણીતા વૈજ્ઞાનિક પ્રો. જી.ડી. અગ્રવાલની દુખદ ઘટનાની યાદ અપાવે છે. સરકારની આ નિષ્ઠુરતા સામે પ્રશ્ન એ થાય છે કે શું આજના ભારતમાં સંવાદની જગ્યા નથી રહી?

- Advertisement -

સુરત માટે આર્થિક સંજીવની: ૫૫૦ કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર

બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા પૂરગ્રસ્ત સુરત શહેર માટે ઐતિહાસિક ૫૫૦ કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસ નિમિત્તે જાહેર કરાયેલા આ પેકેજને ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું આર્થિક સહાય પેકેજ માનવામાં આવે છે. આ પેકેજમાં લારી-ગલ્લા ધારકોથી લઈને પાકી દુકાન ધરાવતા વેપારીઓને સીધી રોકડ સહાય આપવામાં આવશે.

- Advertisement -
  • મુખ્ય રાહતો: પાકી દુકાન ધરાવતા વેપારીઓને ૧ લાખ રૂપિયા સુધીની સહાય.

  • લોન સહાય: વેપારીઓના પુનઃવસન માટે ૩૦ લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન, જેના પર ત્રણ વર્ષનું વ્યાજ સરકાર ભોગવશે.

  • ટેક્સ મુક્તિ: પૂરગ્રસ્ત રહેણાંક અને કમર્શિયલ એકમો માટે એક વર્ષનો પ્રોપર્ટી ટેક્સ માફ.

  • ટાઈમિંગ: આ નિર્ણય સુરતની રાજકીય અને આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ખૂબ જ મહત્વના સમયે લેવામાં આવ્યો છે.

Share This Article