Bogus Farmer in Gujarat: ગુજરાતમાં ‘બોગસ ખેડૂત’નો વિવાદ: કોણ ખેડૂત બની શકે અને કોણ ખેતીની જમીન ખરીદી શકતું નથી?

Arati Parmar
4 Min Read

Bogus Farmer in Gujarat: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ‘બોગસ ખેડૂત’નો મુદ્દો ચર્ચામાં છે. સામાન્ય ભાષામાં કહીએ તો, બોગસ ખેડૂત એટલે એવો વ્યકિત, જે કાયદેસર ખેડૂત ન હોવા છતાં ખોટા પુરાવા ઊભા કરીને ખેતીની જમીન ખરીદે છે.

કોણ કહી શકાય ખેડૂત?

ગુજરાતમાં દરેક વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકતી નથી. જમીન સુધારા કાયદા અનુસાર –

- Advertisement -
  • 1 જુલાઈ 1957ના રોજ જેમને ગણોત તરીકે જમીન ફાળવવામાં આવી હતી, અથવા

  • જેમના બાપદાદા પાસે ખેતીલાયક જમીન હતી અને તે વારસામાં મળેલી છે,

એવા લોકોને જ “ખેડૂત” માનવામાં આવે છે. આ કાયદાને ગુજરાત ગણોત અને ખેતીની જમીન વહીવટધારા કહેવામાં આવે છે.

આ જોગવાઈઓને કારણે રાજ્ય બહારના ખેડૂત હોવા છતાં ગુજરાતમાં જમીન ખરીદી શકાતી નથી. જો કોઈ ખેતીલાયક જમીન ખરીદે છે, પણ તે કાયદેસર ખેડૂત નથી, તો તેને ‘બોગસ ખેડૂત’ કહેવામાં આવે છે.

- Advertisement -

બોગસ ખેડૂત કેવી રીતે બને છે?

ખેડૂત ન હોવા છતાં કેટલાક લોકો ખોટા કાગળો બનાવીને ખેતીની જમીન ખરીદવાનો પ્રયાસ કરે છે. જેમ કે –

  • ખોટા પેઢીનામા બનાવવામાં આવે છે.

  • કોઈ ખેડૂતના નામથી ખોટું ઍફિડેવિટ કરાવીને જમીન ખરીદવામાં આવે છે.

  • વિલ (will) દ્વારા જમીન મેળવવાનો પ્રયત્ન થાય છે, પણ સુપ્રીમ કોર્ટ મુજબ વિલથી ખેડૂત બનવું કાયદેસર માન્ય નથી.

ફરિયાદ ક્યાં કરી શકાય?

જો કોઈ બોગસ ખેડૂત હોવાનું જણાય તો તેની ફરિયાદ તે વિસ્તારના મામલતદાર પાસે કરી શકાય છે. મામલતદાર પાસે પ્રાથમિક તપાસ કરવાનો અધિકાર છે. ત્યારબાદનો અપીલનો માર્ગ –
મામલતદાર → ડેપ્યુટી કલેક્ટર → મહેસૂલ પંચ → હાઇકોર્ટ → સુપ્રીમ કોર્ટ સુધી જઈ શકે છે.

- Advertisement -

બોગસ ખેડૂત સાબિત થાય તો શું થાય?

જો કોઈ વ્યકિત બોગસ ખેડૂત સાબિત થાય તો –

  • કલમ 84(C) મુજબ નોટિસ આપવામાં આવે છે.

  • ત્રણ મહિનાની અંદર જમીન મૂળ ખેડૂતને પરત આપવી પડે છે.

  • જો પરત ન આપી શકાય તો જમીન સરકાર હસ્તક લઈ લેવામાં આવે છે.

  • આ જમીન પછી જમીનવિહોણા અથવા પછાત વર્ગોને ફાળવવામાં આવે છે.

સરકારે 2015માં કરેલા નિયમ મુજબ, જો સાચો ખેડૂત કોઈ એવી જમીન ખરીદે છે જે પછી બોગસ સાબિત થાય, અને ખરીદી 2015 પહેલાં થઈ છે, તો તે પ્રીમિયમ ભરીને કાયદેસર ખેડૂત બની શકે છે. પરંતુ 2015 પછી ખરીદી કરેલી જમીન સીધી સરકાર હસ્તક જતી રહે છે.

કોને ખેડૂતનો દરજ્જો મળી શકે?

  • જો પતિ ખેડૂત હોય અને તેનું અવસાન થાય, તો પત્ની ખેડૂત બની શકે છે.

  • પત્ની ખેડૂત હોય અને તેનું અવસાન થાય, તો સંતાનો ખેડૂત રહી શકે છે. પરંતુ પતિ માત્ર જમીનનો માલિક બની શકે, ખેડૂત નહીં.

  • જે લોકોની બધી જમીન વેચાઈ જાય અથવા સરકાર પ્રોજેક્ટ માટે લઈ લે, તેઓ નવી ખેતીલાયક જમીન ખરીદી શકે તો તેમનું ખેડૂતનું હક બચી રહે છે.

સરકારે તાજેતરમાં જ (2025) એક પરિપત્ર બહાર પાડ્યો છે. તેના મુજબ, જે વ્યકિતએ 6 એપ્રિલ 1995એ ખેતીની જમીન ધરાવેલી છે, તેને ખેડૂત માનવામાં આવે છે. પરંતુ જો પછી તપાસમાં સાબિત થાય કે તે 1957થી ખેડૂત નથી, તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે.

 ગુજરાતમાં ખેડૂતનો દરજ્જો વારસાગત જમીન કે કાયદેસર ગણોત પર આધારિત છે. બહારના રાજ્યના ખેડૂત હોવા છતાં અહીં ખેતીની જમીન ખરીદી શકાતી નથી. ખોટા દસ્તાવેજો બનાવી જમીન ખરીદનારા ‘બોગસ ખેડૂત’ ગણાય છે અને તેમની જમીન સરકાર હસ્તક લઈ શકે છે.

Share This Article