Dahod Ration Scam Dhanpur: દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ગરીબ પરિવારો માટે આવતા સરકારી અનાજની કાળાબજારીનો એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ધાનપુર તાલુકાના ભોરવા-2 ગામમાં સસ્તા અનાજની દુકાનમાંથી અનાજનો જથ્થો બારોબાર વેચી દેવાનું વ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યું હોવાની શંકા ગ્રામજનોને ઘણા સમયથી હતી. આખરે જાગૃત નાગરિકોએ એકઠા થઈને આ ગેરરીતિને ખુલ્લી પાડવા માટે જાળ બિછાવી હતી. ગરીબ પરિવારોના મોઢામાંથી કોળિયો છીનવીને પોતાનું ખિસ્સું ભરનારા તત્વો સામે ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો અને તેમણે આખરે આ કાળાબજારીના નેટવર્કનો પર્દાફાશ કરીને સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે.
અગાશવાણી ચોકડી પાસે ગ્રામજનોનું ઓપરેશન અને પીકઅપ જપ્ત
આ ઘટનાની વિગત એવી છે કે ભોરવા-2 ગામની સસ્તા અનાજની દુકાનનો સંચાલક નરવત ધીરશીંગ પટેલ સરકારી અનાજ ભરીને જઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમી ગ્રામજનોને મળી હતી. આ માહિતીના આધારે લોકોએ વોચ ગોઠવી હતી અને રાત્રિના અંદાજે સાડા નવ વાગ્યાના સમયે જ્યારે એક પીકઅપ બોલેરો ગાડી અગાશવાણી ચોકડી પાસેથી પસાર થઈ, ત્યારે ગ્રામજનોએ તેને ફિલ્મી ઢબે અટકાવી હતી. ગાડીની અંદર તપાસ કરતા તેમાંથી રેશનિંગનો સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો. આ જોઈને ગ્રામજનો સ્તબ્ધ થઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ હોબાળો મચ્યો હતો. સંચાલક પાસે આ જથ્થો રાત્રિના સમયે ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તેનો કોઈ સંતોષકારક જવાબ નહોતો.
પુરવઠા વિભાગની કાર્યવાહી અને અનાજનો જથ્થો જપ્ત
સ્થાનિક લોકોએ આ મામલે સહેજ પણ ઢીલાશ ન રાખતા તુરંત જ પુરવઠા વિભાગના અધિકારીઓને ટેલિફોનિક જાણ કરી હતી. જાગૃત ગ્રામજનોએ પકડેલી અનાજ ભરેલી ગાડી અને સંચાલકની તમામ વિગતો તંત્રને સોંપી દીધી હતી. ફરિયાદ મળતા જ પુરવઠા નાયબ મામલતદાર પોતાની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે ઘટનાસ્થળનું પંચનામું કરીને શંકાસ્પદ અનાજનો જથ્થો અને વાહન જપ્ત કરવાની કાર્યવાહી કરી હતી. હાલમાં તંત્ર દ્વારા એ તપાસ કરવામાં આવી રહી છે કે આ અનાજ કયા વેપારીને વેચવાનું હતું અને આ કૌભાંડમાં અન્ય કેટલા લોકોની સંડોવણી છે.
અંતરિયાળ વિસ્તારોમાં કાળાબજારીની સમસ્યા અને તંત્ર સામે સવાલ
દાહોદ જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં સસ્તા અનાજની દુકાનોના સંચાલકો દ્વારા અનાજ સગેવગે કરવામાં આવતું હોવાની ફરિયાદો વારંવાર ઉઠતી રહે છે. ગરીબ પરિવારો જ્યારે અનાજ લેવા જાય છે ત્યારે ક્યારેક સ્ટોક નથી અથવા ઓછું અનાજ આપીને તેમને રવાના કરી દેવામાં આવતા હોય છે, જ્યારે બીજી તરફ નફો કમાવવા માટે આ જ અનાજ બારોબાર વેચી દેવામાં આવે છે. ભોરવા-2 ગામની આ ઘટનાએ પુરવઠા વિભાગની ઓડિટ સિસ્ટમ અને કામગીરી સામે પણ મોટા સવાલો ઊભા કર્યા છે. લોકોની માગ છે કે માત્ર ગાડી જપ્ત કરવાથી કઈ નહીં વળે, પણ આવા ભ્રષ્ટ સંચાલકોના લાયસન્સ રદ કરીને તેમની સામે કડક ફોજદારી પગલાં ભરવા જોઈએ.

