અમદાવાદ, તા. 20 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતની રાજનીતિમાં વધુ એક મોટો વળાંક આવવાના એંધાણ દેખાઇ રહ્યાં છે. લાંબા સમય બાદ રાજનીતિના બે દિગ્ગજો શંકરસિંહ વાઘેલા અને અમિત શાહ વચ્ચે ગાંધીગરના સર્કિટ હાઉસ ખાતે બંધ બારણે મુલાકાત થઇ હતી. જેને પગલે ગુજરાતના રાજકારણમાં નવી અટકળો તેજ બની છે.
જોકે, વાઘેલાએ તમામ અટકળો અને તર્ક વિતર્કો વચ્ચે આ શિષ્ટાચારની મુલાકાત હોવાનું જણાવ્યું હતું. છેલ્લા કેટલાય સમયથી રાજનીતિ ઉપરાંત મીડિયાથી દુર રહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. ગાંધીનગરમાં સર્કિટ હાઉસમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે મુલાકાત દરમિયાન બન્ને દિગ્ગજો વચ્ચે અનેક મુદ્દાઓને ચર્ચામાં લાવવામાં આવ્યા હોવાની પણ વાત સામે આવી છે. જો કે, શંકરસિંહ બાપુએ આ બેઠક અંગે કહ્યું હતુ કે, આ એક શિષ્ટાચાર મુલાકાત હતી.

પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાની રાજકીય કારકિર્દીની ચર્ચા કરવા ગયો હતો. અમે ભેગા મળીને ચા-પાણી કર્યા અને થોડીક વાતો કરી હતી. બાપુ અને અમિત શાહની બેઠક બાદ ગુજરાતની રાજનીતિમાં અનેક તર્ક વિતર્ક સેવાઇ રહ્યાં છે. આ મુલાકાતને મોટા રાજકીય ફેરફારના સંકેત તરીકે જોવામાં આવી રહી છે. અહીં નોંધવું ઘટે કે, શંકરસિંહવાઘેલા પીઢ રાજકારણી, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પૂર્વ નેતા રહી ચૂક્યા છે.

