Farmer Protest AAP: ખેડૂતોના હક માટે આમ આદમી પાર્ટીનો મોરચો, 5 જુલાઈથી ગાંધીનગરમાં શરૂ થશે ઉપવાસ આંદોલન

Arati Parmar
2 Min Read

Farmer Protest AAP: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના નગરા ગામે યોજાયેલી કિસાન મહાપંચાયતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટીએ સરકાર સામે આરપારની લડાઈનું એલાન કર્યું છે. છેલ્લા કેટલાક સમયથી કોંઢ, જેતપર સહિતના અનેક ગામોમાં ખેતરોમાંથી પસાર થતી ખાનગી કંપનીઓની વીજલાઇન અને પૂરતા વળતરના અભાવે ખેડૂતો રોષે ભરાયા છે. આ આંદોલનને વેગ આપવા માટે હવે ‘આપ’ના દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને પ્રવીણ રામ સહિતના અગ્રણીઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોના ખેતરોમાં દાદાગીરીથી વીજલાઇન નાખવાનું કામ કોઈપણ ભોગે સહન કરવામાં નહીં આવે.

ખેડૂતોની મુખ્ય માંગણીઓ અને સરકાર સામે આક્રોશ

કિસાન મહાપંચાયતમાં માત્ર વીજલાઇન જ નહીં, પરંતુ ખેડૂતોને મૂંઝવતા અન્ય પ્રશ્નો પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. જેમાં પાક વીમાનું યોગ્ય વળતર, ખેતપેદાશોના પૂરતા ભાવો, સિંચાઈ માટેનું પાણી અને પાક ધિરાણ માફ કરવા જેવા મુદ્દાઓ મુખ્ય હતા. ખેડૂતોની માંગ છે કે જે જમીનમાંથી વીજલાઇન પસાર થાય છે, તેનું તેમને બજાર ભાવ કરતા ચાર ગણું વળતર મળવું જોઈએ અથવા તો કાયમી માસિક ભાડું ચૂકવવું જોઈએ. આગેવાનોએ સરકારને ચીમકી આપી હતી કે જો ખેડૂતોની આ વ્યાજબી માંગણીઓ નહીં સંતોષાય તો આ લડત વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

- Advertisement -

ગાંધીનગરમાં સત્યાગ્રહ અને રાજ્યવ્યાપી આંદોલનની તૈયારી

આ લડાઈને હવે ગામડામાંથી બહાર લાવીને રાજ્ય સ્તરે લઈ જવાની જાહેરાત કરવામાં આવી છે. નગરા ગામેથી શરૂ થયેલી આ કિસાન ક્રાંતિને આગળ ધપાવતા આગામી 5 જુલાઈના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ભવ્ય ઉપવાસ આંદોલન શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ આંદોલનને રાજ્યવ્યાપી બનાવી ખેડૂતોના હકના ન્યાય માટે અંત સુધી લડી લેવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે. આ મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કાર્યકરોની હાજરીએ આંદોલનને એક નવું જોમ પૂરું પાડ્યું છે, જે સરકાર માટે આગામી દિવસોમાં મોટો પડકાર બની શકે છે.

Share This Article