Gandhinagar Municipal Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસનાં વચનોની હરીફાઈ, હર્ષ સંઘવીની AI ટ્રાફિક વ્યવસ્થાથી લઈને મહિલાઓ માટે પિંક બસ સુધીની જાહેરાતો

Arati Parmar
1 Min Read

ગાંધીનગરને હાઇટેક સિટી બનાવવાનું ભાજપનું વચન, કોંગ્રેસની પિંક પૉલિસીમાં મહિલાઓને પ્રોપર્ટી ટૅક્સમાં 50% છૂટની જાહેરાત

Gandhinagar Municipal Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી ચરમસીમાએ પહોંચી છે. ભાજપ અને કોંગ્રેસે પોતાના ચૂંટણી એજન્ડાની જાહેરાત કરી દીધી છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરને હાઇટેક સિટી બનાવવાની સાથે ચાર રસ્તાઓ પર લગાવેલી લાલબત્તીઓનું સંચાલન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા કરવાનું વચન આપ્યું છે. બીજી તરફ, કોંગ્રેસનાં સાંસદ ગેનીબેન ઠાકોરે પક્ષની પિંક પૉલિસીની જાહેરાત કરતાં મહિલાઓ માટે પિંક બસ, મફત સૅનિટરી પૅડ અને પ્રોપર્ટી ટૅક્સમાં મહિલાઓને 50 ટકા છૂટ આપવાનું વચન આપ્યું છે.

હર્ષ સંઘવીએ ગાંધીનગરને યુવાનો માટે આદર્શ શહેર બનાવવાની પણ જાહેરાત કરી છે. ગાંધીનગરને વૈકલ્પિક ઊર્જાના મૉડલ સિટી તરીકે વિકસાવવાની સાથે શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતાની બાબતમાં આધુનિક શહેર બનાવવાનું વચન આપ્યું છે.

અમદાવાદથી ગાંધીનગર સુધી રિવરફ્રન્ટનો વિસ્તાર કરવાની સાથે શહેરને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાનું વચન પણ આપવામાં આવ્યું છે. કોંગ્રેસના છાવણીમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના આગમનથી નવો ઉત્સાહ આવ્યો છે.

વાઘેલાએ પક્ષમાં જોડાતાં પહેલાં જ કોંગ્રેસના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. વાઘેલાએ કહ્યું કે હવે ભાજપને હટાવવો એ જ એકમાત્ર વિકલ્પ છે. યુવાનોને રોજગાર આપવો, ગરીબો, દલિતો અને પછાત વર્ગોના કલ્યાણની સાથે મહિલાઓની સુરક્ષા પણ જરૂરી છે.

Share This Article