Gujarat Crypto Terror Funding: ગુજરાત એટીએસ (ATS) અને વિવિધ કેન્દ્રીય તપાસ એજન્સીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા ડાર્ક વેબ, ક્રિપ્ટો કરન્સી અને ડ્રગ્સ નેટવર્કના એક બહુ મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પ્રાથમિક તપાસમાં અંદાજે ₹૨૨૬.૫૪ કરોડ ($૨૩,૯૬૨,૩૮૩) ના શંકાસ્પદ અને ગેરકાયદેસર ક્રિપ્ટો વ્યવહારો મળી આવ્યા છે. આ નાણાંનો ઉપયોગ ગ્લોબલ ટેરર ફંડિંગ, ઓનલાઈન માદક પદાર્થોની હેરાફેરી અને વિદેશી પ્રતિબંધિત સંગઠનોને મજબૂત કરવા માટે થતો હોવાની ગંભીર આશંકાઓ સેવાઈ રહી છે, જેના તાર છેક ગુજરાત સુધી જોડાયેલા છે.
આતંકવાદી સંગઠનો અને ક્રિપ્ટો કરન્સી વચ્ચેનું ખતરનાક કનેક્શન
સમગ્ર ઓપરેશન અંગે વિગતવાર માહિતી આપતા ઉચ્ચ અધિકારી રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આ કેસના મૂળિયાં ખૂબ ઊંડા છે. એજન્સીઓને એવા પાકા પુરાવા મળ્યા છે કે વૈશ્વિક સ્તરે સક્રિય કેટલાક ખતરનાક આતંકવાદી સંગઠનો પોતાના આર્થિક વ્યવહારો માટે ડિજિટલ કરન્સીનો આશરો લઈ રહ્યા છે. ખાસ કરીને ઈરાન, યમન અને ઈઝરાયેલ જેવા દેશો સાથે સંકળાયેલા શંકાસ્પદ આર્થિક વ્યવહારો તપાસ એજન્સીઓની રડારમાં આવ્યા છે. આ આખી સિસ્ટમ કાયદાની નજરમાંથી બચવા માટે ટેકનોલોજીનો દુરુપયોગ કરી રહી હતી.
ડિજિટલ ટ્રેઈલ વાયા અમદાવાદ અને ડર્ટી ક્રિપ્ટોનો ખેલ
આ કેસની તપાસ દરમિયાન “ડર્ટી ક્રિપ્ટો” એટલે કે જે ફંડનો ઉપયોગ માત્ર ગુનાહિત અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે થાય છે, તેનો પર્દાફાશ થયો છે. ડાર્ક વેબ પર ગેરકાયદેસર રીતે ડ્રગ્સ વેચતી આંતરરાષ્ટ્રીય વેબસાઈટોના ઓવર-૬ સર્વર અને ડિજિટલ ટ્રેઈલ છેક અમદાવાદ સુધી લંબાયેલા હોવાનું ટ્રેસ થયું છે. વિદેશમાં બેસીને ઓનલાઈન નાર્કોટિક્સનો કાળો કારોબાર કરતી ટોળકીના સીધા નાણાકીય વ્યવહારો ગુજરાતમાં ઓપરેટ થતા કેટલાક ક્રિપ્ટો વોલેટમાં મળી આવતા તપાસકર્તાઓ પણ ચોંકી ઉઠ્યા છે.
મોહસીન સદીક અને મોહમ્મદઝુબેરના શંકાસ્પદ વોલેટની કુંડળી
એજન્સીઓની રડારમાં આવેલા મુખ્ય ખાતાઓમાં મોહસીન સદીક મૌલાનીના ક્રિપ્ટો વોલેટનો સમાવેશ થાય છે, જેમાં કરોડો રૂપિયાનું સંદિગ્ધ ફંડ ટ્રાન્સફર થયું હતું. તેની કડીઓ દેશના અન્ય ૯ સક્રિય યુઝર્સના વોલેટ સાથે પણ જોડાયેલી છે. પકડાઈ ન જવાય તે માટે આ ટોળકીએ Monero જેવી ટ્રેસ ન થઈ શકે તેવી અલ્ટ્રા-સિક્યોર ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ કરીને ₹૨ કરોડથી વધુના ગુપ્ત વ્યવહારો કર્યા હતા. આ ઉપરાંત, મોહમ્મદઝુબેર મોહમ્મદહુસેન પોપટિયાનું એક ક્રિપ્ટો વોલેટ તો ઈઝરાયેલના સાયબર વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૫ માં ઓલરેડી ફ્રીઝ કરવામાં આવ્યું હોવાની વિગતો પણ ખુલી છે.
પ્રતિબંધિત સંગઠનો સાથે કનેક્શન અને પકડાયેલા મુખ્ય સાગરીતો
આરોપીઓના ખાતાઓમાંથી અમેરિકા, યમન અને રશિયાની પ્રતિબંધિત આતંકી સંસ્થાઓ સાથે સીધા નાણાકીય વ્યવહારો થયાના મજબૂત ડિજિટલ પુરાવા એજન્સીઓએ જપ્ત કર્યા છે. આ દેશવિરોધી નેટવર્કમાં ઝીશાન સિરાજ મોતીવાલા, ચિસ્તી ફૈઝઅહમદ નસ્સરૂદ્દિન, શાહયાસરખાન પઠાણ, નાવેદ અયુબખાન પઠાણ, લવપ્રીત દર્શનસિંહ, પઠાણ એજાઝ અસલમખાન અને મોહમ્મદઝૈદ અબ્દુલકાદરભાઈ સિંધી જેવા સ્થાનિક સાગરીતો મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા હતા. ક્રિપ્ટો વોલેટમાં આવતા આ કરોડો રૂપિયા સ્થાનિક સ્તરે હવાલા અને આંગડિયા નેટવર્ક દ્વારા રોકડા ઉપાડી લેવાતા હતા.
બ્રિટનની જેલમાંથી ઓપરેટ થતું ડ્રગ્સ નેટવર્ક અને આગળની તપાસ
તપાસનો વ્યાપ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રિટન સુધી પહોંચ્યો છે. આ કેસનો એક મુખ્ય સૂત્રધાર સલમાન અન્સારી હાલમાં બ્રિટનની જેલમાં મની લોન્ડ્રિંગના કેસમાં સજા કાપી રહ્યો હોવા છતાં, જેલની અંદરથી જ આ આખું ગ્લોબલ ડ્રગ્સ અને ફંડિંગ નેટવર્ક ચલાવતો હતો. ગુજરાત એટીએસ અને તપાસ એજન્સીઓ હવે બ્રિટન સુધી ફેલાયેલા આ ડ્રગ્સ રૂટ, હવાલા કનેક્શન અને આ કાળા કમાણીના નાણાંથી ભારતમાં કઈ કઈ પ્રોપર્ટી ખરીદવામાં આવી છે તે દિશામાં ખૂબ જ કડક તપાસ ચલાવી રહી છે.

