Gujarat Cyber Crypto Money Laundering: ગુજરાત સાયબર સેલનો ધમાકો: ₹૧૦ કરોડ પાકિસ્તાન મોકલનાર મની લોન્ડરિંગના એજન્ટને સુરતથી ઝડપ્યો! ક્રિપ્ટો (USDT) દ્વારા ચીન-પાક. કનેક્શનનો પર્દાફાશ

Arati Parmar
2 Min Read

Gujarat Cyber Crypto Money Laundering: ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે છેતરપિંડી દ્વારા મેળવેલા નાણાંની ગેરકાયદે હેરફેર (મની લોન્ડરિંગ)ના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સુરતના કામરેજમાંથી એક યુવકની ધરપકડ કરવામાં આવી છે, જેણે છેલ્લા ચાર મહિનામાં ₹10 કરોડથી વધુની છેતરપિંડીની રકમને ક્રિપ્ટોકરન્સી USDT મારફતે પાકિસ્તાન મોકલી હતી.

કૌભાંડનું પાકિસ્તાન અને ચીન કનેક્શન

- Advertisement -

સાયબર ક્રાઇમ સેલને બાતમી મળી હતી કે, રાજ્યના કેટલાક શખસો કમ્બોડિયા અને મ્યાંનમારમાં સક્રિય ચાઈનીઝ ગેંગ સાથે મળીને આ કૌભાંડ આચરી રહ્યા છે. ગુજરાતના વિવિધ શહેરોની બેન્કોમાં છેતરપિંડીથી જમા થતી રકમને આ એજન્ટો રોકડમાં ઉપાડીને અથવા ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા પાકિસ્તાન અને દુબઈ સ્થિત એજન્ટોને મોકલતા હતા.

સ્ટેટ સાયબર ક્રાઇમના એસપી ડૉ. રાજદીપસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવીને સુરતના કામરેજમાં રહેતા આરોપી ચેતન ગાંગાણીને ઝડપી લેવામાં આવ્યો હતો.

ક્રિપ્ટો વોલેટ દ્વારા કરોડોની હેરફેર

પ્રાથમિક તપાસમાં ચેતન ગાંગાણીની ભૂમિકા સ્પષ્ટ થઈ છે. ચેતન ગાંગાણીએ તેના ક્રિપ્ટો વોલેટનો ઉપયોગ કરીને 10 કરોડ રૂપિયા ઉપરાંતની રકમને USDT (ક્રિપ્ટોકરન્સી)ના સ્વરૂપમાં માત્ર ચાર મહિનાના સમયગાળામાં પાકિસ્તાન સ્થિત એજન્ટોને ટ્રાન્સફર કરી હતી. આ હેરફેરના બદલામાં ચાઈનીઝ ગેંગ આરોપીઓને ચોક્કસ કમિશન આપતી હતી.

બોગસ એકાઉન્ટ્સનો ઉપયોગ

તપાસમાં જાણવા મળ્યું છે કે આ કૌભાંડના આરોપીઓએ ગુજરાતના વિવિધ શહેરોમાં અનેક સામાન્ય લોકોના બેન્ક એકાઉન્ટ્સ ભાડેથી ખોલાવીને તેમાં કરોડો રૂપિયા જમા કરાવ્યા હતા. આ એકાઉન્ટ્સનો ઉપયોગ છેતરપિંડીના નાણાં મેળવવા માટે કરવામાં આવ્યો હતો. હાલમાં વિલ્સન ગાર્ડન પોલીસે આ અંગે એફઆઈઆર નોંધીને આ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરના કૌભાંડના અન્ય શખસોની ધરપકડ કરવા માટે વધુ તપાસ શરૂ કરી છે.

Share This Article