Dahej chemical pollution: દહેજમાં ફરી પ્રદૂષણનો વિવાદ ઉભો થયો, SRF કંપની નજીકના નાળામાં કાળું શંકાસ્પદ પ્રવાહી મળી આવતા GPCBએ લીધા સેમ્પલ
By: પ્રજ્ઞેશ પાટણવાડીયા, ભરૂચ
ભરૂચ:
વાગરા તાલુકાના દહેજ GIDC વિસ્તારમાં આવેલી SRF કંપનીની હદમાંથી પસાર થતા નાળા અને ડ્રેનેજ વિસ્તારમાં ઘાટા કાળા રંગનું શંકાસ્પદ પ્રવાહી વહેતું જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા અને રોષ ફેલાયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. અધિકારીઓએ સ્થળનું નિરીક્ષણ કરી શંકાસ્પદ પાણીના સેમ્પલ એકત્રિત કરીને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. હાલમાં આ કાળું પ્રવાહી SRF કંપની દ્વારા જ છોડવામાં આવ્યું છે કે અન્ય કોઈ સ્ત્રોતમાંથી આવ્યું છે તે અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. સમગ્ર મામલે GPCB દ્વારા તપાસ ચાલી રહી છે અને લેબોરેટરી રિપોર્ટ બાદ જ હકીકત સ્પષ્ટ થશે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ નાળામાં વહેતું પાણી સામાન્ય કરતાં વધુ ઘાટું અને કાળા રંગનું હોવાથી કેમિકલ પ્રદૂષણની આશંકા ઊભી થઈ છે. જો પાણીમાં ઝેરી તત્ત્વો હશે તો તેની અસર આસપાસની જમીન, ભૂગર્ભજળ, ખેતી, પશુધન અને માનવ આરોગ્ય પર પડી શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. રહીશોએ સવાલ ઉઠાવ્યો છે કે કંપનીમાં ઇફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ETP) જેવી સુવિધા કાર્યરત હોવા છતાં આવું શંકાસ્પદ પાણી બહાર કેવી રીતે આવ્યું? સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસ કરીને જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. હાલ સમગ્ર દહેજ પંથકની નજર GPCBના લેબોરેટરી રિપોર્ટ પર ટકેલી છે. સ્થાનિકોએ તપાસનો અહેવાલ જાહેર કરવા તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા સતત મોનિટરિંગ અને કડક દેખરેખની વ્યવસ્થા અમલમાં મૂકવાની પણ માંગ કરી છે. ત્યારે કંપની તરફથી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી ન હોવાથી કઈક રંધાઈ રહ્યું હોવાનું લોકોમાં ચર્ચા ઉઠી છે. ત્યારે GPCB વહેલીતકે રિપોર્ટ જાહેર કરે તેવી લોકમાંગ ઉઠી છે.

