University Fees Hike: સેન્ટર ઑફ એક્સલન્સ યુનિવર્સિટીઓમાં ફીનો ઝટકો: જાણો હવે કયા કોર્સની કેટલી ફી થશે

Arati Parmar
By Arati Parmar 3 Min Read

University Fees Hike: સરકારે વિધાનસભામાં જાહેરાત કરીને 2022માં રાજ્યની સાત ખાનગી યુનિવર્સિટીઓને સેન્ટર ઑફ એક્સેલન્સનો દરજ્જો આપ્યો હતો. જે સાથે 7 યુનિવર્સિટીઓને સરકારના ફી રેગ્યુલેશન્સના કાયદામાંથી મુક્તિ મળી હતી અને આ યુનિ.ઓ પોતાના કોર્સની ફી પોતે નક્કી કરતી હતી. આ દરમિયાન સ્ટેટસની 3 વર્ષની મુદત ગત ડિસેમ્બરમાં પુરી થયા બાદ સરકારે સંસ્થાઓ પાસેથી નવા સ્ટેટસ માટે અરજીઓ મંગાવી હતી. જેમાં 11 સંસ્થાએ અરજી કરી હતી અને એક અરજી પરત થયા બાદ અગાઉની સાત અને વધારાની ત્રણ સહિત 10 યુનિ.ઓને પાંચ વર્ષ માટે સેન્ટર ઑફ એક્સેલેન્સનો દરજ્જો આપ્યો છે. આ યુનિ.ઓ દ્વારા વિવિધ કોર્સમાં 2025-26ની ફી નક્કી કરી દેવામા આવી છે અને સરકારે મંજૂર કરી દીધી છે.

વધુ ત્રણ યુનિવર્સિટીને સેન્ટર ઑફ એક્સેલેન્સનો દરજ્જો

- Advertisement -

નિરમા, ચારૂસેટ, મારવાડી, DAIICT, CEPT, પીડીઈયુ અને અમદાવાદ યુનિવર્સિટી સહિતની સાત યુનિવર્સર્ટીઓને સરકારે 2022માં સેન્ટર ઑફ એક્સેલન્સ સ્ટેટસ આપ્યુ હતું. જેથી આ યુનિ.ઓ ફી રેગ્યુલેશન્સથી બહાર આવી ગઈ હતી અને આ યુનિ.ઓની ફી સરકારની ફી રેગ્યુલેશન કમિટી નક્કી નહતી કરતી. જેના કારણે અમદાવાદ યુનિ.ની સ્ટેટસ પહેલાની એટલે કે છેલ્લી એફઆરસી મુજબની ફી બી.ઈમાં 1.73 લાખ હતી .જે હવે 2025-26માં વધીને 3.75 લાખ થઈ છે. જ્યારે ડીએઆઈઆઈસીટીની ફી જે ત્રણ-ચાર વર્ષ પહેલા 1.72 લાખ હતી તે હવે વધીને 3.57 લાખ થઈ ગઈ છે. નિરમા યુનિ.ની ફી 1.81 લાખથી વધીને 2.55 લાખ થઈ છે. સરકારે આ વર્ષે વધુ ત્રણ યુનિ.ને સેન્ટર ઑફ એક્સેલેન્સનો દરજ્જો આપ્યો છે. જેમાં ગણપત યુનિ., પારૂલ યુનિ. અને અનંત યુનિ.નો સમાવેશ થાય છે. મોટી ખાનગી યુનિ.ઓની કેટલાક કોર્સની વાર્ષિક ફીમાં ખૂબ જ વધારો થયો છે.

ક્યાં કેટલી ફી વધી?

- Advertisement -

સેપ્ટ યુનિ.માં આર્કિટેકચરની ફી 2023-24માં 3.47 લાખ હતી જે હવે આ વર્ષે વધીને 4.55 લાખ થઈ છે. આમ બે વર્ષમાં 1 લાખથી પણ વધુ ફી વધી છે. જ્યારે અન્ય યુનિ.ઓની બી.ઈની ફીમાં અગાઉની ફી સામે કોઈ મોટો ફેરફાર થયો નથી. પરંતુ 2025-26ની નક્કી થયેલી ફી મુજબ એમબીએમાં નિરમા યુનિ.માં સૌથી વધુ 6.40 લાખ ફી થઈ છે. જ્યારે પીડીઈયુમાં એમબીએની ફી પાંચ લાખ રૂપિયા થઈ છે. મારવાડી યુનિ.માં આ વર્ષે બી.ઈની ફી 1.40 લાખ રૂપિયા થઈ છે. જ્યારે પારૂલ યુનિ.માં અગાઉ 3 વર્ષ પહેલા બી.ઈમાં 94800 ફી હતી અને હવે 1.51 લાખ થઈ છે. ગણપત યુનિ.માં 1.19 લાખ ફી હતી જે હવે 1.60 લાખ થઈ છે. અનંત યુનિ.માં ત્રણ વર્ષ પહેલા 2.55 લાખ ફી હતી જે હજુ પણ 2.55 લાખ રહી છે. આમ હવે મોટી ખાનગી યુનિવર્સિટીઓમાં એમબીએ, આર્કિટેક્ચર તેમજ ડિગ્રી ઈજનેરી સહિતના અભ્યાસક્રમોમાં ભણવું ખૂબ મોંઘુ થઈ ગયું છે. નિરમા યુનિવર્સિટીની એમ. ફાર્મમાં 4.30 લાખ રૂપિયા ફી છે. જ્યારે અમદાવાદ યુનિ.માં એમબીએની ફી 5.70 લાખ રૂપિયા થઈ છે.

Share This Article