Gujarat Dialysis Technician Recruitment Controversy: ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના કિડનીના દર્દીઓને સારવાર મળી રહે તે માટે ચાલતા ‘ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ’ હેઠળ હિમોડાયાલિસિસ ટેકનિશિયનોની ભરતીને લઈને વિવાદ ઊભો થયો છે. કેગના અહેવાલને ટાંકીને કરવામાં આવેલા દાવા મુજબ, રાજ્યમાં કાર્યરત કુલ 662 ટેકનિશિયનોમાંથી 346 ટેકનિશિયનોએ ‘ભારત સેવક સમાજ’ નામની સંસ્થાનાં સર્ટિફિકેટના આધારે નોકરી મેળવી છે. આ સર્ટિફિકેટની માન્યતા અને ભરતીના નિયમો અંગે તપાસ કરવાની માગ કરવામાં આવી છે.
662માંથી 346 ટેકનિશિયનોનાં સર્ટિફિકેટ અંગે સવાલ
મળતી વિગતો મુજબ, અમદાવાદની કિડની ઇન્સ્ટિટ્યૂટ હેઠળ રાજ્યમાં 250થી વધુ ડાયાલિસિસ સેન્ટરો કાર્યરત છે. આ સેન્ટરોમાં કુલ 662 ટેકનિશિયનો દર્દીઓને સારવાર આપવામાં મદદ કરે છે. અહેવાલમાં રજૂ કરાયેલા આંકડા અનુસાર, તેમાંથી આશરે 52 ટકા એટલે કે 346 ટેકનિશિયનોએ માન્ય યુનિવર્સિટી અથવા સરકારી બોર્ડને બદલે ‘ભારત સેવક સમાજ’નાં સર્ટિફિકેટ રજૂ કરીને નોકરી મેળવી હોવાનું જણાવાયું છે.
આ મામલે મુખ્ય સવાલ એ છે કે આ સર્ટિફિકેટ ડાયાલિસિસ ટેકનિશિયનની નોકરી માટે જરૂરી લાયકાત તરીકે માન્ય છે કે નહીં. ડાયાલિસિસ દરમિયાન દર્દીની તબીબી સ્થિતિ પર સતત નજર રાખવી પડતી હોવાથી ટેકનિશિયનો પાસે યોગ્ય તાલીમ અને જરૂરી લાયકાત હોવી અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
નોકરીના એક વર્ષમાં ધોરણ 12 પાસ કરવાની શરત?
આ ભરતીમાં આઉટસોર્સિંગ એજન્સીના ઓફર લેટરમાં લખવામાં આવેલી એક શરતને લઈને પણ સવાલો ઊઠ્યા છે. દાવા મુજબ, ઉમેદવારે નોકરી પર જોડાયાના એક વર્ષની અંદર ધોરણ 12 પાસ કરવાનું રહેશે, તેવી નોંધ ઓફર લેટરમાં કરવામાં આવી હતી. આથી ભરતી સમયે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત શું હતી અને નિમણૂક માટે કયા માપદંડ નક્કી કરવામાં આવ્યા હતા, તે અંગે સ્પષ્ટતા કરવાની માગ થઈ રહી છે.
ઉચ્ચસ્તરીય તપાસની માગ
આ મામલે ભરતી કરનારી ખાનગી એજન્સીઓની કામગીરી અને આરોગ્ય વિભાગની દેખરેખ સામે પણ સવાલો ઊભા થયા છે. સરકાર ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના કરે, તમામ ટેકનિશિયનોનાં શૈક્ષણિક સર્ટિફિકેટ અને વ્યાવસાયિક લાયકાતની ચકાસણી કરાવે તથા નિયમોનો ભંગ થયો હોવાનું સામે આવે તો જવાબદાર એજન્સીઓ સામે યોગ્ય પગલાં ભરે, તેવી માગ કરવામાં આવી છે.

