Gujarat Industrial Policy: ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ૧૫ મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ માટે ૧,૫૬૭ કરોડની પ્રોત્સાહન સહાય મંજૂર, ૧૨૦૦થી વધુને મળશે રોજગારી

Arati Parmar
3 Min Read

Gujarat Industrial Policy: ભરૂચમાં કેમિકલ અને અમદાવાદ-સુરેન્દ્રનગરમાં ઓટોમોબાઈલ સેક્ટરને બૂસ્ટર ડોઝ

Gujarat Industrial Policy: ગુજરાતને વૈશ્વિક સ્તરે અગ્રણી મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક મોટું કદમ ઉઠાવ્યું છે. રાજ્યની ઔદ્યોગિક નીતિ-૨૦૧૫ (Industrial Policy-2015) હેઠળ અમલમાં મૂકાયેલી ‘ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ સ્કીમ’ અંતર્ગત રાજ્ય સરકારે બહુ મોટો નિર્ણય લીધો છે. ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં કુલ ૧,૫૬૭.૧૮ કરોડ રૂપિયાના જંગી રોકાણ ધરાવતા રાજ્યના ૧૫ મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને કરોડો રૂપિયાની પ્રોત્સાહન સહાય (Incentive Support) આપવા માટેની સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સ શરૂ થવાથી રાજ્યમાં અંદાજે ૧,૨૩૮ થી વધુ નવી રોજગારીની તકોનું સર્જન થશે.

હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને મળેલી કમિટીમાં ફાઇનલ સર્ટિફિકેટ અપાયા

ગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીના (Harsh Sanghavi) અધ્યક્ષસ્થાને યોજાયેલી મોટા ઉદ્યોગોને ફાઇનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ આપતી સમિતિની ખાસ બેઠકમાં આ મંજૂરીની મહોર મારવામાં આવી હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યના ગૃહ અને ઉદ્યોગ મંત્રી ઉપરાંત મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતી રવિ, નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન તેમજ ઉદ્યોગ કમિશનર સ્વરૂપ પી. સહિતના વરિષ્ઠ સનદી અધિકારીઓ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સરકારના આ પ્રોત્સાહનથી રાજ્યમાં મેન્યુફેક્ચરિંગ અને ટેક્નોલોજીકલ ઇનોવેશનને મોટો વેગ મળશે.

- Advertisement -

ભરૂચના કેમિકલ ક્ષેત્રમાં સૌથી મોટું ૯૯૯ કરોડનું રોકાણ મંજૂર

આ યોજના હેઠળ મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સમાં સૌથી વધુ સિંહફાળો ભરૂચ જિલ્લાને મળ્યો છે. ભરૂચ જિલ્લામાં કેમિકલ્સ ક્ષેત્રમાં અંદાજે ૯૯૯.૮૨ કરોડ રૂપિયાના મેગા પ્રોજેક્ટને સહાય મંજૂર કરાઈ છે. આ ઉપરાંત, અમદાવાદ જિલ્લામાં ઓટોમોબાઇલ ક્ષેત્રના ૭૫.૭૨ કરોડ રૂપિયા અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઓટોમોબાઇલ સેક્ટરના ૪૪.૫૬ કરોડના રોકાણ ધરાવતા પ્રોજેક્ટ્સને લીલી ઝંડી મળી છે. જ્યારે ગાંધીનગર જિલ્લામાં ટેક્સટાઇલ ક્ષેત્રના ૧૩ કરોડના પ્રોજેક્ટને પણ પ્રોત્સાહન સહાયની શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ્સ હેઠળ લાયક એકમોને નેટ એસજીએસટી (Net SGST) સહાય રૂપે આર્થિક વળતર અપાશે.

ગુજરાતમાં સ્કીમ હેઠળ અત્યાર સુધીમાં રૂ. ૧.૪૮ લાખ કરોડનું રોકાણ આવ્યું

રાજ્ય સરકારની આ આકર્ષક નીતિઓના કારણે અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ ૧,૪૮,૩૩૬.૩૫ કરોડ રૂપિયાનું અધધ રોકાણ આકર્ષવામાં સફળતા મળી છે. જેના કારણે રાજ્યના અંદાજે ૧,૬૫,૦૫૩ જેટલા સ્થાનિક યુવાનોને સીધી અને આડકતરી રોજગારી પ્રાપ્ત થઈ છે. મહત્વની વાત એ છે કે આ મોટા ઉદ્યોગો આવવાના કારણે રાજ્યના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) માટે પણ નવી તકો ખુલી છે. આ રોકાણોના પગલે ગુજરાતમાં એક એવું મજબૂત ઔદ્યોગિક ઇકોસિસ્ટમ તૈયાર થયું છે જે સ્થાનિક બજારને પ્રોત્સાહન પૂરું પાડે છે.

- Advertisement -

આ પણ વાંચો: Gir Man Lion Conflict: ગીરના સિંહોએ જંગલ છોડી ગામડાંઓમાં બનાવ્યા કાયમી ડેરા, ખેતરોમાં વનરાજની હાજરીથી ખેડૂતોમાં ભયનો માહોલ – Newz Cafe

Share This Article