લેખક: પ્રો. હેમન્તકુમાર શાહ
પ્રકાશક: ‘અનુસંધાન’, તા.૦૮-૦૪-૨૦૨૬
કોઈ જ ટીકાટિપ્પણ વિના આપણે નક્કર હકીકતો જ જોઈએ:
(૧) ૧.૩૦ કરોડ લોકો અભણ
૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં સાક્ષરતા દર ૭૮.૦૩ ટકા હતો અને તે ૨૦૨૪-૨૬માં વધીને ૮૨ ટકા થયો હોવાનો અંદાજ છે. તેનો અર્થ એવો થાય છે કે ૨૦૨૪-૨૬માં ૧૮ ટકા એટલે કે રાજ્યની ૭.૨૫ કરોડની વસ્તીમાંથી ૧.૩૦ કરોડ લોકો તદ્દન નિરક્ષર છે. સાક્ષરતા દરની બાબતમાં દેશમાં ગુજરાતનો ક્રમ નવમો છે.
(૨) માત્ર ૨૪ ટકા વિદ્યાર્થીઓ કોલેજમાં જાય છે
ભારત સરકારનો અખિલ ભારતીય ઉચ્ચ શિક્ષણ સર્વે (AIHES) જણાવે છે કે ગુજરાતમાં ૨૦૨૧-૨૨માં ૧૮થી ૨૩ની ઉંમરના યુવાનોમાં કોલેજોમાં જનારા યુવાનોની સંખ્યા માત્ર ૨૪ હતી. એટલે કે જો ૧૦૦ વિદ્યાર્થીઓ પહેલા ધોરણમાં દાખલ થયા હોય તો તેમાંથી માત્ર ૨૪ વિદ્યાર્થીઓ જ કોલેજમાં જતા હતા. તેમાં પણ છોકરાઓમાં તે પ્રમાણ ૨૫.૨ હતું અને છોકરીઓમાં તે ૨૨.૭ હતું. આદિવાસીઓમાં તે પ્રમાણ ૨૦.૪ હતું. ભારતનાં ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાતનો ક્રમ આ બાબતમાં ૨૫મો છે! તે પછી ભારત સરકારે આવો કોઈ સર્વે કર્યો નથી.
(૩) ૨.૪ લાખ બાળકો શાળામાં જતાં જ નથી
સાંસદ રેણુકા ચૌધરીને સરકાર દ્વારા સંસદમાં આપવામાં આવેલા જવાબ અનુસાર દેશમાં સૌથી વધુ બાળકો ગુજરાતમાં શાળાઓની બહાર છે અને તેમની સંખ્યા ૨.૪ લાખ છે અને તેમાં છોકરીઓ ૧.૧ લાખ છે. ૨૦૨૪ કરતાં ૨૦૨૫માં શાળાની બહાર રહેતાં બાળકોની સંખ્યામાં ગુજરાતમાં ૩૪૦ ટકાનો વધારો થયો હતો. ૨૦૨૪માં ૫૪,૫૪૧ બાળકો શાળામાં નહોતાં જતાં પણ ૨૦૨૫માં તેમની સંખ્યા વધીને ૨.૪ લાખ થઈ ગઈ હતી! આખા દેશમાં કુલ ૬૫.૭ લાખ બાળકો શાળાની બહાર છે અને તેમાં ગુજરાતનો ક્રમ પહેલો છે!
(૪) બાળકો જાય છે ક્યાં?
ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના ૨૦૨૪-૨૫ના UDISE+ અહેવાલ અનુસાર ગુજરાતમાં ધોરણ ૯-૧૦માં બાળકોની સંખ્યા ૧૭.૧૮ લાખ હતી અને તે ધોરણ ૧૧-૧૨માં ૧૦.૮૨ લાખ થઈ ગઈ હતી. એનો અર્થ એવો થાય કે ધોરણ-૧૦ પછી ૬.૩૬ લાખ બાળકોએ ભણવાનું છોડી દીધું! ૨૦૨૬ના ફેબ્રુઆરીમાં ગુજરાતમાં દસમા ધોરણની બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૯.૦૭ લાખ હતી અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ ૫.૧૦ લાખ હતા. એનો અર્થ એવો થાય કે ગુજરાતમાં આશરે ૩.૯૭ લાખ વિદ્યાર્થીઓ દસમા ધોરણ પછી ભણવાનું છોડી દે છે!
(૫) શાળામાં નોંધણીનું પ્રમાણ ઘટે છે
જેમ જેમ ધોરણ વધે છે તેમ તેમ શાળામાં નોંધણીનું પ્રમાણ ઘટતું જાય છે. ઉપરોક્ત અહેવાલ એમ કહે છે કે ધોરણ-૧થી ધોરણ-૫માં બાળકોનું નોંધણીનું પ્રમાણ ૭૯.૫ ટકા છે, ધોરણ-૯ અને ધોરણ-૧૦માં ૭૪.૭ ટકા છે અને ધોરણ-૧૧ અને ધોરણ-૧૨માં એ માત્ર ૪૭.૩ ટકા છે. એટલે કે જેઓ પહેલા ધોરણમાં દાખલ થાય છે એ બધાં બાળકો પાંચ ધોરણનું પણ શિક્ષણ પૂરું કરે છે એવું નથી. સામાન્ય રીતે શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવે છે ત્યારે એમ કહેવામાં આવે છે કે ૯૯.૯૯ ટકા બાળકો શાળામાં દાખલ થઈ ગયાં. એનો અર્થ એવો થાય કે પાંચમા ધોરણ સુધીમાં તેમાંથી પાંચમા ભાગનાં બાળકો શાળા છોડી દે છે. આ અહેવાલ અનુસાર જ ધોરણ-૧માં દાખલ થયેલાં જે બાળકો ધોરણ-૧૨ સુધીનું શિક્ષણ લે તેમનું પ્રમાણ ગુજરાતમાં ૪૨.૩ ટકા જ છે.
(૫) હજારો વિદ્યાર્થીઓ નાપાસ ગુજરાતી ભાષામાં!
ગુજરાતી ભાષા જેમની માતૃભાષા છે તેવા ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષાના પેપરમાં હજારોની સંખ્યામાં નાપાસ થાય છે! જેમ કે, ૨૦૨૫માં દસમા ધોરણની બોર્ડની પરીક્ષામાં ૫૪,૦૦૦ વિદ્યાર્થીઓ અને ૨૦૨૩માં બારમા ધોરણની બોર્ડની પરીક્ષામાં ૩૩,૦૦૦ વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષાના પેપરમાં જ નાપાસ થયા હતા.
(૬) આઠમા ધોરણમાં બીજા ધોરણનું પણ આવડતું નથી
ભારત સરકારના ASER (અસર) અહેવાલ અનુસાર ગુજરાતના ગ્રામ વિસ્તારોમાં ૧૫-૧૬ની ઉંમરનાં ૧૦ ટકા કિશોરીઓ અને કિશોરો શાળાએ જતાં નથી, ૨૦૨૪માં છથી આઠમા ધોરણમાં ૧૪.૧ ટકા છોકરાઓ અને ૯.૯ ટકા છોકરીઓ શાળામાં નોંધાયેલાં જ નથી. આઠમા ધોરણનાં ૧૪ ટકા બાળકો પહેલા ધોરણની ચોપડી પણ વાંચી શકતાં નથી અને ૭૫.૯ ટકા બાળકો બીજા ધોરણની ચોપડી વાંચી શકતાં નથી. સરકારી શાળાઓમાં ત્રીજા ધોરણનાં ૨૪.૭ ટકા બાળકો જ બીજા ધોરણની ચોપડી વાંચી શકે છે. ખાનગી શાળાઓમાં એ આંકડો ૩૬.૨ ટકાનો છે. સરકારી શાળાઓનાં આઠમા ધોરણનાં ચોથા ભાગનાં બાળકો બીજા ધોરણની ચોપડી પણ વાંચી શકતાં નથી, ખાનગી શાળાઓમાં એ આંકડો ૧૫.૫ ટકા છે.
(૭) આઠમા ધોરણનાં બાળકોને ભાગાકાર અને બાદબાકી આવડતાં નથી
ભારત સરકારના ASER (અસર) અહેવાલ અનુસાર ગુજરાતના ગ્રામ વિસ્તારોમાં આઠમા ધોરણનાં ૩૦.૫ ટકા બાળકો ભાગાકાર કરી શકતાં નથી અને ૨૬.૯ ટકા બાળકો બાદબાકી કરી શકતાં નથી.
(૮) ગુણોત્સવ: માત્ર ૧૧ ટકા શાળાઓ સારી છે
૨૦૨૩-૨૪માં થયેલા ગુણોત્સવ દરમ્યાન બહાર આવેલી વિગતો આ મુજબ છે: ૪૦,૨૮૯ શાળાઓમાંથી માત્ર ૫૨૪ શાળાઓને A+ ગ્રેડ આપવામાં આવ્યો હતો અને ૪,૪૪૨ પ્રાથમિક શાળાઓને A ગ્રેડ આપવામાં આવ્યો હતો. કુલ શાળાઓમાં આ સંખ્યા માત્ર ૧૧ ટકા જેટલી થાય. એનો અર્થ એવો થાય કે બાકીની હજારો શાળાઓમાં બાળકોનું શિક્ષણ સાવ નિમ્ન સ્તરનું છે.
(૯) શિક્ષકો વિના અભણ રહેતાં બાળકો
પાંચ દિવસ પહેલાંના એક અખબારી સમાચાર એમ કહે છે કે ધોરણ-૧થી ધોરણ-૫માં ૧૧,૦૦૦ શિક્ષકોની ભરતી આ વર્ષે કરવામાં આવશે. એ સમાચાર એમ પણ કહે છે કે ગયા વર્ષે શિક્ષકોની ભરતી થઈ નહોતી એટલે આ વર્ષે કુલ ૧૧,૦૦૦ શિક્ષકોની ભરતી કરવામાં આવશે. ૨૦૨૫માં ૫,૦૦૦ શિક્ષકોની ભરતી કરવાની જરૂરિયાત હતી પણ ભરતી થઈ નહોતી. એટલે કે, વિદ્યાર્થીઓ શિક્ષકો વગરની શાળામાં ગયા અને રહ્યા! ગુજરાતમાં ૨૦૨૪-૨૫માં ૪૫.૯૫ લાખ બાળકો ધોરણ-૧થી ધોરણ-૮માં સરકારી શાળાઓમાં ભણે છે. શિક્ષકોની ભરતી ન થઈ એટલે એનો અર્થ એ થાય કે લાખો બાળકો શિક્ષકો વિનાનાં જ રહ્યાં.

