Gujarat Local Body Elections: ગુજરાતના રાજકીય ઇતિહાસમાં આ વખતની ચૂંટણી અત્યંત રસાકસીભરી અને અલગ જોવા મળી રહી છે. અત્યાર સુધી જે રાજ્યમાં માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થતો હતો, ત્યાં હવે આમ આદમી પાર્ટીએ મજબૂત એન્ટ્રી કરીને જંગને ત્રિપાંખિયો બનાવી દીધો છે. શુક્રવાર મધરાતથી તમામ પક્ષોનો જાહેર પ્રચાર શાંત થઈ જશે અને આચારસંહિતા મુજબ રાજકીય બેનરો તેમજ ઝંડાઓ ઉતારી લેવામાં આવશે. પ્રચારના અંતિમ કલાકોમાં દરેક પક્ષના ઉમેદવારો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, જ્યારે શનિવારની રાત તમામ માટે ‘કતલની રાત’ સમાન બની રહેશે.
મતદાનના દિવસે ભાજપનું ‘મોદીકાર્ડ’ અને રણનીતિ
ચૂંટણીના માહોલમાં જ્યારે અનેક જગ્યાએ ભાજપ વિરુદ્ધ લોકોનો રોષ જોવા મળ્યો છે, ત્યારે પક્ષ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રભાવ પર ભરોસો રાખી રહ્યો છે. રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદી અને અમિત શાહ ૨૫મી એપ્રિલની રાત્રે જ ગુજરાત આવી પહોંચશે. મતદાનના દિવસે મોદી અમદાવાદમાં મતદાન કરીને મીડિયા સમક્ષ નિવેદન આપે તેવી પૂરેપૂરી શક્યતા છે. દર વખતની જેમ મતદાનના દિવસે જ વડાપ્રધાનની હાજરી અને તેમનું અભિવાદન ઝીલવાની શૈલી મતદારોને પ્રભાવિત કરવા માટે ‘મોદીકાર્ડ’ તરીકે જોવામાં આવી રહી છે.
જનતાનો રોષ અને બદલાતું રાજકીય સમીકરણ
આ ચૂંટણી પ્રચાર દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરો અને ગામડાઓમાં ભાજપના ઉમેદવારોને જનતાના ઉગ્ર વિરોધનો સામનો કરવો પડ્યો છે. પાયાની સુવિધાઓ અને અન્ય સ્થાનિક પ્રશ્નોને લઈને લોકોમાં અજંપો જોવા મળી રહ્યો છે, જે ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે. જોકે ગુજરાત ભાજપનો ગઢ હોવાનું મનાય છે, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી મજબૂત વિરોધ પક્ષ તરીકે ઉભરી આવે તેવું અનુમાન રાજકીય વિશ્લેષકો લગાવી રહ્યા છે. પ્રજાના આ વિરોધને ખાળવા માટે જ અંતિમ ઘડીએ હાઈપ્રોફાઈલ નેતાઓની હાજરી અનિવાર્ય બની છે.
ચૂંટણી પંચની ભૂમિકા અને નિષ્પક્ષતા સામે સવાલો
વડાપ્રધાન મોદી દ્વારા મતદાનના દિવસે કરવામાં આવતા રોડ શો અને મીડિયા સંબોધનને લઈને વિપક્ષો દ્વારા અવારનવાર સવાલો ઉઠાવવામાં આવતા હોય છે. સામાન્ય રીતે પ્રચાર બંધ થયા પછી કોઈ પણ પ્રકારનો પ્રચાર કરી શકાતો નથી, પરંતુ મતદાનના દિવસે મોદીનું મીડિયામાં પ્રસારણ પરોક્ષ રીતે પ્રચારની ગરજ સારે છે. ભૂતકાળની ચૂંટણીઓમાં પણ આ બાબતે વિવાદો થયા છે, તેમ છતાં ચૂંટણી પંચે અત્યાર સુધી આ મામલે કોઈ કડક વલણ દાખવ્યું નથી. આ વખતે પણ મોદીની આ મુલાકાત ચૂંટણીના પરિણામો પર કેટલી અસર કરે છે તેના પર સૌની નજર રહેશે.

