Gujarat Police NARIT AI: ગુજરાત પોલીસે રાજ્યમાં નાર્કોટિક્સના વધતા જતા ગુનાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવીને ‘NARIT AI’ (Narcotics Analysis & RAG-based Investigation Tool) નામનું અત્યાધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ લોન્ચ કર્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ડ્રગ્સ સંબંધિત તપાસને વધુ સચોટ અને મજબૂત બનાવવાનો છે. પશ્ચિમ રેલવે પોલીસ અને મુંબઈના એક સ્ટાર્ટઅપ દ્વારા વિકસાવવામાં આવેલું આ ટૂલ ભારતમાં કોઈપણ પોલીસ એજન્સી દ્વારા ઉપયોગમાં લેવાતું પ્રથમ એવું AI મોડલ છે, જે ખાસ કરીને NDPS એક્ટ હેઠળના જટિલ કેસોના વિશ્લેષણ માટે બનાવવામાં આવ્યું છે.
RAG ટેક્નોલોજી: ભૂલરહિત તપાસ અને કાયદાકીય માર્ગદર્શન
NARIT AI એ ‘Retrieval Augmented Generation’ (RAG) ટેક્નોલોજી પર આધારિત છે. આ સિસ્ટમની ખાસિયત એ છે કે તે ખુલ્લા ઇન્ટરનેટને બદલે માત્ર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ઐતિહાસિક ચુકાદાઓ, સરકારી માર્ગદર્શિકાઓ અને બેર એક્ટ્સના ડેટાબેઝનો ઉપયોગ કરે છે. આનાથી ‘હેલ્યુસિનેશન’ એટલે કે ખોટી માહિતી મળવાની શક્યતા નહિવત્ થઈ જાય છે. તપાસ અધિકારી જ્યારે FIR અપલોડ કરે છે, ત્યારે આ સિસ્ટમ રિયલ-ટાઇમ વિશ્લેષણ કરીને કાનૂની નબળાઈઓ ઓળખી કાઢે છે અને અધિકારીને કઈ રીતે આગળ વધવું તેની સચોટ સલાહ આપે છે.
પ્રક્રિયાત્મક ભૂલો પર રોક અને કન્વિક્શન રેટમાં સુધારો
ભૂતકાળમાં ઘણીવાર એવું બનતું હતું કે મજબૂત પુરાવા હોવા છતાં તપાસની પ્રક્રિયામાં રહેલી નાની ખામીઓને કારણે ડ્રગ્સના આરોપીઓ કોર્ટમાંથી છૂટી જતા હતા. ‘NARIT AI’ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે. તે તપાસ અધિકારીને પુરાવાઓનું ચેકલિસ્ટ આપે છે અને શું કરવું અને શું ન કરવું તેની સ્પષ્ટ માર્ગદર્શિકા પૂરી પાડે છે. આ વૈજ્ઞાનિક અભિગમથી કેસ એટલો મજબૂત બને છે કે કોર્ટમાં ટ્રાયલ દરમિયાન આરોપીઓને સજા થવાની શક્યતા (Conviction Rate) અનેકગણી વધી જાય છે. આ એપ્લિકેશન ગુજરાત પોલીસ માટે એક ‘ફોર્સ મલ્ટિપ્લાયર’ તરીકે કાર્ય કરી રહી છે.
કોર્ટ ટ્રાયલ માટે પૂર્વાનુમાન અને સુરક્ષિત ડેટાબેઝ
આ AI ટૂલ માત્ર તપાસમાં જ નહીં, પરંતુ કોર્ટની કાર્યવાહીમાં પણ માર્ગદર્શન પૂરું પાડે છે. તે બચાવ પક્ષ દ્વારા કરવામાં આવતી સંભવિત દલીલોનું પૂર્વાનુમાન લગાવી શકે છે અને તેને હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જૂના કેસના આધારે કઈ રીતે કાઉન્ટર કરવી તેના સૂચનો પણ આપે છે. મહત્વની વાત એ છે કે આ એક ખાનગી સિસ્ટમ છે જે માત્ર પોલીસના ઉપયોગ માટે જ છે, જેથી ડેટાની સુરક્ષા જળવાઈ રહે છે. આ નવીન પ્રયોગથી હવે ડ્રગ્સ સંબંધિત કેસોમાં તપાસની ગુણવત્તામાં મોટો સુધારો જોવા મળશે અને ન્યાયિક પ્રક્રિયા વધુ તેજ બનશે.

