Gujarat Politics News: ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત, શું સચિન પાયલટના હાથમાં સોંપાશે રાજ્યની કમાન?

Arati Parmar
3 Min Read

Gujarat Politics News: રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતને રાજ્યસભામાં મોકલવાની ચર્ચા વચ્ચે ગુજરાતના પ્રભારી બદલાવાની અટકળો સામે આવી છે. ચર્ચા છે કે કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ યુવાનોમાં ભારે લોકપ્રિયતા ધરાવતા સચિન પાયલટને ગુજરાતના પ્રભારી તરીકે નિયુક્ત કરી શકે છે. રાજકીય વર્તુળોમાં આ ચર્ચા ગુજરાત કોંગ્રેસના ટોચના નેતાઓના દિલ્હી પ્રવાસ બાદ સામે આવી છે. ગુજરાતના પ્રભારી અત્યારે રાજ્યસભાના સભ્ય મુકુલ વાસનિક છે. ગુજરાતમાં કોંગ્રેસની કમાન અમિત ચાવડાના હાથમાં છે, જ્યારે ડો. તુષાર ચૌધરી વિધાનસભામાં પક્ષના નેતા છે.

પહેલા પણ રાજસ્થાનના નેતાઓ રહ્યા છે પ્રભારી

સચિન પાયલટના નામની ચર્ચા એવા સમયે સામે આવી છે જ્યારે રાજ્યમાં મતદાર યાદીના વિશેષ સુધારણા (SIR) નું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. ટૂંક સમયમાં રાજ્યના મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત અન્ય સ્થળોએ મહાનગરપાલિકાની ચૂંટણીઓની જાહેરાત થવાની છે. આ ચૂંટણીઓને ૨૦૨૭ની ચૂંટણીઓની સેમીફાઈનલ માનવામાં આવી રહી છે. ચર્ચા એ પણ છે કે કોંગ્રેસ નેતૃત્વમાંથી ટૂંક સમયમાં પ્રિયંકા ગાંધી પણ ગુજરાતનો પ્રવાસ કરી શકે છે. રાજસ્થાનના નેતાઓ પહેલા પણ ગુજરાતના પ્રભારી રહી ચૂક્યા છે. પૂર્વ સીએમ અશોક ગેહલોત અને તેમના નજીકના રઘુ શર્મા અગાઉ ગુજરાતના પ્રભારી રહી ચૂક્યા છે. ૨૦૧૭માં જ્યારે કોંગ્રેસે ભાજપને ૯૯ પર રોક્યું હતું ત્યારે અશોક ગેહલોત જ રાજ્યના પ્રભારી હતા.

- Advertisement -

પાછલા વર્ષોમાં કયા નેતાઓ રહ્યા ગુજરાતના પ્રભારી

  • મુકુલ વાસનિક (વર્તમાનમાં પ્રભારી)

  • રઘુ શર્મા

  • અશોક ગેહલોત

  • રાજીવ સાતવ

  • ગુરુદાસ કામત

ગુજરાતમાં છે આ નેતાઓની ડ્યુટી

ગુજરાતમાં ‘નવી કોંગ્રેસ’ બનાવવા માટે રાહુલ ગાંધીના નિર્દેશ બાદ પાર્ટીએ અનેક નેતાઓને મોરચે લગાવ્યા હતા. ગુજરાતના પ્રભારી અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (AICC) ના મહાસચિવ મુકુલ વાસનિક છે, પરંતુ તેમની સાથે રામકિશન ઓઝા, સુભાષિની યાદવ, દેવેન્દ્ર યાદવ અને બી.વી. શ્રીનિવાસ ચાર એઆઈસીસી સેક્રેટરી તૈનાત છે. આ પહેલા ઉષા નાયડુ, બી.એમ. સંદીપ પણ ગુજરાતમાં એઆઈસીસી સેક્રેટરી રહી ચૂક્યા છે. ગુજરાતની રાજનીતિ પર નજર રાખતા વિશ્લેષકોનું કહેવું છે કે જો સચિન પાયલટને પાર્ટી કમાન સોંપે છે તો તેઓ એક નવી ઉર્જા ભરી શકે છે કારણ કે તેમની છબી આકર્ષક યુવા નેતાની છે. ગુજરાતમાં કોંગ્રેસ પાસે ૨૬ લોકસભામાં અત્યારે ૧ સીટ છે, જ્યારે ૧૮૨ સભ્યોની વિધાનસભામાં ૧૨ ધારાસભ્યો છે. ૨૦૨૨ની ચૂંટણીમાં પાર્ટી ૧૭ બેઠકો જીતી હતી. પાંચ ધારાસભ્યો પાર્ટી છોડી ચૂક્યા છે.

Share This Article