Gujarat Solar Scheme: સોલાર પંપનો સવાલ, 200 કરોડના સોલાર પંપ છતાં 600 કરોડની વીજળીનો બગાડ

Arati Parmar
3 Min Read

Gujarat Solar Scheme: ગુજરાતમાં ઊર્જા વિભાગે સોલાર પંપની લેટેસ્ટ ટૅક્નોલૉજીનો ઉપયોગ કરવાનું ટાળ્યું છે. હકીકતમાં, ખુદ કેન્દ્ર સરકારે યુ.એસ.પી.સી ((Universal Solar Pump Controller) ટૅક્નોલૉજીથી સજ્જ સોલાર પંપનો ઉપયોગ કરવા ખાસ ભલામણ કરી છે. તેમ છતાં ગુજરાત સરકાર જ આ વાતનો અમલ કરવા તૈયાર નથી. સ્થિતી એવી સર્જાઈ છે કે, ગુજરાતમાં 200 કરોડના સોલાર પંપ લગાવ્યા છે તેમ છતાંય 600 કરોડ રૂપિયાની વીજળી વેડફી દેવામાં આવી છે. ઊર્જા વિભાગના અધિકારીઓની આ જ અસલ જાદુગીરી છે.

કેન્દ્ર સરકારની ન્યુ એન્ડ રીન્યુએબલ એનર્જી વિભાગની કુસુમ પોલિસીમાં સોલાર પંપ નાખવાની જોગવાઈ છે. સોલાર પમ્પિંગ સિસ્ટમમાં એક સોલાર કન્ટ્રોલ આવે છે. માત્ર ગુજરાતમાં નહીં પણ સમગ્ર દેશમાં મોટાભાગના સોલાર કન્ટ્રોલર છે કે જે વર્ષમાં વધુમાં વધુ ફક્ત 150 દિવસ પાણી ખેંચવાની મોટર ચલાવી શકે. જ્યારે યુ.એસ.પી.સી. ટેક્નોલોજીથી સજ્જ સોલાર કન્ટ્રોલર 320 દિવસ વાપરી શકાય છે. આ વાતનો ઉલ્લેખ કરતાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ એવુ ઉદાહરણ ટાંક્યું કે, રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકારે યુ.એસ.પી.સી ટૅક્નોલૉજીથી સજ્જ એક હજાર સોલાર કન્ટ્રોલર લગાવ્યા હતા પરિણામે એવા ફાયદો થયો કે, એક ખેડૂતે 6 એકર જમીનમાં એક વર્ષમાં 6 લાખ રૂપિયાની આવક ઉભી કરી હતી.

- Advertisement -

ગુજરાતમાં ખેડૂત પરિવારની સરેરાશ આવક 11-12 હજાર

આજે જ્યારે ખેડૂતની એક દિવસની આવક ફક્ત 27 રૂપિયા છે. ગુજરાતમાં ખેડૂત પરિવારની સરેરાશ આવક 11-12 હજાર રૂપિયા હશે. વડાપ્રધાને રાજસ્થાનના ભરતપુરના કલેક્ટરને આદેશ કરી આ ટૅક્નોલૉજી વિશે રિપોર્ટ તૈયાર કરવા આદેશ કર્યો હતો. એટલું જ નહીં મન કી બાતમાં પણ ઉલ્લેખ કર્યો હતો. મન કી બાત સાંભળો પણ સરકારે જો અમલ કર્યો હોત તો ગુજરાતના હજારો ખેડૂતોની આવક મહિને 20 હજાર રૂપિયા થઈ હોત.

ગૃહમાં ઊર્જા વિભાગની ચર્ચામાં મેવાણીએ કહ્યું કે, યુ.એસ.પી.સી ટૅક્નોલૉજી સજ્જ સોલાર કંટ્રોલરને ટેન્ડરમાં મૂકાયું નથી. હકીકતમાં ગુજરાતના ખેડૂતોને વિકલ્પ આપવામાં આવવું જોઈએ. જો, 5 હજાર કરોડ રૂપિયાનું બજેટ સોલાર પંપ માટે ફાળવવામાં આવે અને અઢી લાખ જેટલા સોલાર પંપનો ઉપયોગ કરાય તો, ગુજરાતના ખેડૂતોની આવક તો વધે જ, સાથે સાથે ખેડૂતો આર્થિક રીતે સક્ષમ થાય, ખેડૂત પરિવારનું બાળક કુપોષિત ન રહે. એક સોલાર પંપ દીઠ બીજા ચાર લોકોને રોજગાર મળે. કુલ મળીને, ગુજરાતમાં એગ્રીકલ્ચર સેક્ટરમાં 10 લાખ લોકોને રોજગારનો અવસર મળી શકે તેમ છે.

Share This Article