પ્રકાશ જ્હા દ્વારા : ગાંધીનગર, તા. 30 : 18વર્ષના લાંબા સમયગાળા બાદ રાજ્ય સરકાર દ્વારા નારી ગૌરવ નીતિ સુધારા-વધારા સાથે શનિવારે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં ઘોષિત કરવાનો નિર્ણય લેવાયો છે. કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મહિલા બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં આ નવી નારી ગૌરવ નીતિની ઘોષણા કરવામાં આવનાર છે.
2006માં રાજ્ય સરકારે નારી ગૌરવ નીતિની જાહેરાત કરી આખા દેશનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. દેશમાં સૌપ્રથમ વાર નારી ગૌરવ નીતિનું લાંચિંગ કરી અને એક નવો જ ચીલો મહિલા ઉત્કર્ષની દિશા માટે ચીંધ્યો હતો. મહિલા બાળ વિકાસ વિભાગના વિશ્વાસનીય સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો પ્રમાણે નારી ગૌરવનીતિના પુન: ઘડતર માટે 8 જેટલા જુદા-જુદા વર્કિંગ ગ્રુપો બનાવી અને 71 જેટલા નવા એક્શન પોઇન્ટસ નિયુક્ત કરી આ નીતિનું પુન: ઘડતર કરવામાં આવ્યું છે.

છેલ્લા બે વર્ષથી નીતિના પુન: ઘડતર અંગેની કવાયત ચાલતી હતી અને આખરે તેને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રજૂ કરવામાં આવી હતી જેને મંજૂરી મળતાં શનિવારે મહાત્મા મંદિર ખાતે પોષણ માસ ઉજવણીના રાષ્ટ્રીય સ્તરના સમારોહમાં ઘોષિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દર પાંચ વર્ષે હવે પછી આ નીતિમાં જરૂરી સુધારા-વધારા કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. આ સૂત્રોએ જણાવ્યું છે કે, નવી સૂચિત નારી ગૌરવ નીતિમાં અગાઉની નીતિના ક્ષેત્રો વધુ શુદૃઢ કરવા સાથે સાંપ્રત સ્થિતિને ધ્યાને લઈ પોષણ, સુરક્ષા, ક્લાઈમેટ ચેન્જ, રમતગમત, સામાજિક સુરક્ષા અને કલ્યાણ તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા નવા ક્ષેત્રોને સામેલ કરવામાં આવેલ છે. આ સૂત્રોએ જણાવ્યું છે કે નવી નીતિમાં ત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા જરૂર જણાય ત્યાં નવા કાયદાકીય પગલાં અને કાયદામાં ફેરફાર કરવા માટે ભલામણ કરવી તેમ જ જરૂરી સહાયક માળખાંઓ ઊભા કરવાની ભલામણ કરવામાં આવી છે .

