Kalupur Swaminarayan Sampraday ED Complaint Gujarat: અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાય સામે નાણાકીય ગેરરીતિઓ અને મની લોન્ડરિંગના ગંભીર આક્ષેપો સાથે કેન્દ્રીય તપાસ એજન્સી (ED) ને ઈમેઈલ મારફતે ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદમાં જણાવ્યા મુજબ, સંપ્રદાયના કેટલાક સાધુઓ અને ઉચ્ચ હોદ્દેદારો ધર્મની આડમાં બિલ્ડરો અને ઉદ્યોગપતિઓને મોટા પાયે રોકડ રકમ વ્યાજે આપવાનું નેટવર્ક ચલાવી રહ્યા છે. પુરાવા તરીકે એક ડાયરી (ચોપડી) ના પાના પણ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં બેનામી નાણાકીય વ્યવહારોની વિગતો હોવાનો દાવો કરાયો છે. આ મામલે તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે જેથી ધાર્મિક સંસ્થાના નામે ચાલતા આર્થિક કૌભાંડો બહાર આવી શકે.
રાજકીય રક્ષણ અને કાર્યવાહી સામે ઉઠતા સવાલો
આક્ષેપ કરવામાં આવ્યો છે કે સંસ્થાના આચાર્ય અને અન્ય જવાબદારો હાલમાં રાજકીય નેતાઓના શરણે છે, જેના કારણે તપાસ એજન્સીઓ દ્વારા કોઈ કડક કાર્યવાહી થવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. ભૂતકાળના આસારામ કેસનો ઉલ્લેખ કરતા જણાવાયું છે કે જ્યારે ધાર્મિક ગુરુઓ સાથે રાજકીય નેતાઓનો ઘરોબો હોય ત્યારે સ્થાનિક સ્તરે તપાસમાં ઢીલ મુકાય છે. વોટબેન્કના રાજકારણને કારણે સત્તાધારી પક્ષના નેતાઓ આવા મામલે મૌન સેવી રહ્યા હોવાની ટીકા પણ કરવામાં આવી છે. જોકે, વિદેશી સ્તરે થતી ફરિયાદોમાં આવી ઓળખાણો કામ ન લાગે તેવી શક્યતા પણ વર્તાઈ રહી છે.
ભીનું સંકેલવાના પ્રયાસો અને સંપ્રદાયની પ્રતિષ્ઠા પર જોખમ
ફર્યાદમાં એવો પણ ઉલ્લેખ છે કે જે લોકો આ ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવે છે, તેમને ખોટા કેસોમાં ફસાવીને બદનામ કરવાની રણનીતિ અપનાવવામાં આવે છે. સંપ્રદાયના જ કેટલાક સાધુઓમાં પણ આ મુદ્દે આંતરિક રોષ જોવા મળી રહ્યો છે. જો ED દ્વારા તટસ્થ રીતે દરોડા પાડવામાં આવે અને કોઈ પણ પ્રકારના રાજકીય દબાણ વગર તપાસ થાય, તો જ સત્ય સામે આવશે તેવું અરજદારનું માનવું છે. હાલમાં આ વિવાદને કારણે કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયની છબી ખરડાઈ રહી છે અને ભવિષ્યમાં આ મામલે મોટા ખુલાસા થવાની સંભાવના નકારી શકાતી નથી.

