Kalupur Swaminarayan Sect: કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયમાં આંતરિક જૂથવાદ અને સત્તાનો ખેલ

Arati Parmar
3 Min Read

Kalupur Swaminarayan Sect: સ્વામિનારાયણ સંપ્રદાયના કાલુપુર ગાદી સંસ્થાનમાં અત્યારે ભક્તિ કરતા રાજકારણના દ્રશ્યો વધુ જોવા મળી રહ્યા છે. સંપ્રદાયમાં ‘નાના પી.પી. સ્વામી’ અને ‘મોટા પી.પી. સ્વામી’ એમ બે મુખ્ય જૂથો વચ્ચે વર્ચસ્વ જમાવવાની મથામણ ચાલી રહી છે. આ બંને જૂથો એકબીજા વિરુદ્ધ ષડયંત્રો રચવામાં વ્યસ્ત છે, ત્યારે આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદ પાંડે આ સ્થિતિનો પોતાની જરૂરિયાત મુજબ લાભ ઉઠાવી રહ્યા હોય તેમ જણાય છે. ધર્મસત્તા પર બેઠેલા હોવા છતાં નેતાઓ જેવી રણનીતિ અપનાવીને આચાર્ય પક્ષપાત કરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે, જેના કારણે સામાન્ય હરિભક્તોમાં સંપ્રદાયની છબી ખરડાઈ રહી છે.

જેતલપુરના શિષ્યને મહંત પદ અને આચાર્યની મજબૂરી

તાજેતરમાં થયેલી નિમણૂકોએ સંપ્રદાયના સાધુઓને સ્તબ્ધ કરી દીધા છે. કાલુપુર મંદિરના મહંતના શિષ્યો સંસારમાં જતા રહ્યા હોવા છતાં અને વર્તમાન મહંત સામે અનેક આક્ષેપો હોવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. બીજી તરફ, જેતલપુરના મોટા પી.પી. સ્વામીના શિષ્ય ધર્મનંદન દાસને બાપુનગર અને ત્યારબાદ જેતલપુર મંદિરના મહંત પદનો શિરોપાવ આપવામાં આવ્યો છે. અગાઉ આચાર્યએ ‘સીધા નહીં ચાલનારાનો વારો આવશે’ તેવી ધમકી આપી હોવા છતાં, જેતલપુર ગુરુકુળ લખી ન આપનારા મોટા પી.પી. સામે આચાર્ય નરમ પડ્યા છે. માનવામાં આવે છે કે મોટા પી.પી. પાસે આચાર્યના કેટલાક રહસ્યો હોવાથી આચાર્ય તેમની ઈચ્છા વિરુદ્ધ જઈ શકતા નથી.

- Advertisement -

ગુરુકુળોની આવક પર નજર અને સાધુઓ સાથે ભેદભાવની નીતિ

સંપ્રદાયમાં અત્યારે મંદિરો બાદ હવે સાધુઓ દ્વારા સંચાલિત ગુરુકુળોની આવક પર આચાર્યની નજર અટકી છે. આચાર્ય પોતે ગુરુકુળોને ‘ધંધો’ ગણાવતા હોવા છતાં તે સંસ્થાને લખી આપવા માટે દબાણ કરી રહ્યા છે. જે સાધુઓ આ જીદ સામે ઝૂકતા નથી, તેમને સંપ્રદાય વિરોધી ગણાવીને હાંકી કાઢવામાં આવે છે. જોકે, અહીં પણ વ્હાલા-દવલાની નીતિ સ્પષ્ટ દેખાય છે. જેતલપુરના સ્વામી સામે આચાર્યની કોઈ ‘પીપુડી’ વાગતી નથી, જ્યારે અન્ય સાધુઓને નિશાન બનાવવામાં આવે છે. આ પ્રકારની વૃત્તિને કારણે સંપ્રદાયના અનેક પ્રતિષ્ઠિત સાધુઓ અત્યારે મૌન સેવી રહ્યા છે અથવા તો સાઈડલાઈન થઈ ગયા છે.

લાલજીના વિવાદો અને ભગવા વસ્ત્રોમાં છુપાયેલું અઠંગ રાજકારણ

સંપ્રદાયમાં માત્ર આચાર્ય જ નહીં, પરંતુ લાલજી વજેન્દ્રપ્રસાદ પાંડેના વિવાદો પણ સમયાંતરે બહાર આવતા રહ્યા છે. લાલજીના નગ્ન સેલ્ફી કાંડ વખતે જેતલપુરના મોટા પી.પી.એ જ તેમનો બચાવ કરવા માટે મધ્યસ્થી કરી હતી અને માથાભારે તત્વોનો સહારો લીધો હોવાના ગંભીર આક્ષેપો છે. સાધુઓને જરૂરિયાત મુજબ વાપરીને ફેંકી દેવાની વૃત્તિ અને પદના અભિમાનને કારણે આજે કાલુપુર સંપ્રદાય વેરવિખેર થઈ રહ્યો છે. સાચા સાધુઓ ડરના માર્યા ચૂપ છે અને બદનામી છતાં સત્તા ટકાવી રાખવાની આ લડાઈમાં સંપ્રદાયના પાયા નબળા પડી રહ્યા છે.

- Advertisement -
Share This Article