Marco Rubio Jamnagar Refinery Visit: ભારત સાથે ઊર્જા સંબંધો વધારવાના વૉશિંગ્ટનના પ્રયાસો વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ બુધવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જામનગર રિફાઇનરીની મુલાકાત લીધી. આ મુલાકાત એવા સમયે થઈ, જ્યારે ટ્રમ્પ વહીવટીતંત્ર ભારતની રિફાઇનિંગ ક્ષમતાનો વધુ ઉપયોગ કરવા, અમેરિકન ઇંધણની વધુ ખરીદી કરવા અને ભારતીય કંપનીઓ પાસેથી વધુ રોકાણ મેળવવાની માગ કરી રહ્યું છે.
મુલાકાતની જાણકારી ધરાવતા લોકોએ જણાવ્યું કે રુબિયો તેમની પત્ની જીનેટ ડોસડેબ્સ સાથે વિશ્વના સૌથી મોટા એક જ સ્થળે આવેલા ઑઇલ રિફાઇનિંગ સંકુલમાં પહોંચ્યા હતા. તેમણે વનતારા વન્યજીવ બચાવ અને સંરક્ષણ કેન્દ્ર તથા રિલાયન્સના સ્વચ્છ ઊર્જા ઉત્પાદન કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી. અમેરિકા જવા રવાના થતાં પહેલાં તેમણે જામનગરમાં થોડા કલાકો વિતાવ્યા હતા.
અધિકારીઓએ આને ખાનગી મુલાકાત ગણાવી છે. બંને પક્ષોએ મુલાકાતના કાર્યક્રમની વિગતો જાહેર કરી નથી. અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણી પહેલાં ડીઝલના ભાવ પર વધતા દબાણ વચ્ચે પણ આ મુલાકાત થઈ હતી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નેતૃત્વમાં અંબાણી પરિવારના લગભગ તમામ સભ્યોએ અમેરિકન પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું હતું. તેમાં તેમની પત્ની નીતા અંબાણી, પુત્રી ઈશા અંબાણી અને તેમના પતિ આનંદ પીરામલ, નાના પુત્ર અનંત અંબાણી અને તેમની પત્ની રાધિકા મર્ચન્ટ સામેલ હતાં. આ ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કાર્યકારી નિર્દેશક PMS પ્રસાદ અને ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર પણ હાજર હતા.
મુકેશ અંબાણીના મોટા પુત્ર અને જિયો પ્લેટફોર્મ્સના મેનેજિંગ ડિરેક્ટર આકાશ અંબાણી ટેલિકૉમ કંપનીના IPOની શરૂઆત માટેની તૈયારીઓમાં વ્યસ્ત હતા.
જામનગર પહોંચવાના એક દિવસ પહેલાં રુબિયોએ ભારતને કાચા તેલના રિફાઇનિંગ ક્ષેત્રની મહાશક્તિ ગણાવીને તેને વેનેઝુએલાના વધુ તેલનું પ્રોસેસિંગ કરવાની અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે રિલાયન્સ આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાતા તેલનો મોટો ખરીદદાર અને રિફાઇન કરેલા ઇંધણનો મુખ્ય નિકાસકાર છે.
અદાણી ગ્રૂપ અને ટાટા સન્સના વડાઓને મળ્યા રુબિયો
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો બુધવારે સવારે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી અને ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનને મળ્યા હતા. ત્યારબાદ તેઓ ગુજરાતના જામનગર જવા રવાના થયા હતા. સૂત્રોએ જણાવ્યું કે મંગળવારે બપોરે મુંબઈ પહોંચેલા રુબિયો પહેલાં અદાણીને અને ત્યારબાદ ચંદ્રશેખરનને મળ્યા હતા. બંનેમાંથી કોઈ પક્ષે બેઠકોની વિગતો જાહેર કરી નથી.

