અમદાવાદ, તા. 20 : રાજ્ય વિધાનસભાનું ચોમાસું સત્ર 21મીથી 23મી, ઓગષ્ટના 3 દિવસ સુધી ચાલશે. સામાન્ય રીતે વિધાનસભા ગૃહમાં પ્રથમ કલાક દરમ્યાન પ્રશ્નોત્તરી ચર્ચામાં લેવાય છે પરંતુ આ વખતના સત્ર દરમ્યાન પ્રશ્નોત્તરી રદ કરાઈ છે અને તેના બદલે ટૂંકી મુદ્દતના પ્રશ્નો ચર્ચામાં લેવાશે. 21મીએ સત્રના પ્રથમ દિવસ સદ્દગત ધારાસભ્યોને શોકાંજલિ પાઠવાશે અને ત્યારબાદ સરકારી વિધેયકો ઉપર ચર્ચા કરાશે. એવી જ રીતે 22મીના બીજા અને 23મીના ત્રીજા દિવસે પણ વિધેયકો ઉપર જ ચર્ચા થશે અને 23મીએ છેલ્લા દિવસનો પ્રસ્તાવ લવાશે.

આ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રીજીવારની સરકારને અભિનંદન પ્રસ્તાવ પણ શક્ય છે. રાજ્ય વિધાનસભાના ઈતિહાસમાં પ્રથમવાર ભાજપના ધારાસભ્યોની સંખ્યા 161 સુધી પહોંચી ગઈ છે. જ્યારે વિપક્ષ કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્યો, આમ આદમી પાર્ટીના 4, અપક્ષ 2 અને સમાજવાદી પાર્ટીના 1 ધારાસભ્ય મળીને વિધાનસભામાં કુલ 180 ધારાસભ્ય છે. જ્યારે વાવ અને વિસાવદરની બેઠક હાલ ખાલી છે. વિધાનસભાનું આ વખતનું સત્ર એવું છે કે, જેમાં ભાજપ પાસે ઈતિહાસના સૌથી વધુ અને વિરોધપક્ષ કોંગ્રેસ પાસે ઈતિહાસના સૌથી ઓછા સભ્યો છે એટલે સ્વાભાવિક રીતે જ વિપક્ષ પાસે સરકારને ભીંસમાં લેવા માટેના અનેક પ્રશ્નો હોવા છતાં તેમનો અવાજ અગાઉ જેટલો બુલંદ નહીં હોય.
દરમિયાન વિધાનસભાનું ત્રણ દિવસનું ટુંકું ચોમાસુ સત્ર બોલાવવા સામે આજે મળેલી કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં વિપક્ષ કોંગ્રેસે વાંધાઓ ઉઠાવ્યા હતા અને બંધારણની જોગવાઇ પ્રમાણે 21 દિવસનું સત્ર બોલાવવું પડે તેવી રજૂઆત કરી હતી પરંતુ તેને મંજુર રાખવામાં આવી ન હતી. વિપક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં લોકો અનેક પ્રશ્નોથી ત્રસ્ત છે ત્યારે વિધાનસભામાં પ્રશ્નોતરી રાખવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. પરંતુ સરકાર ચર્ચાથી ભાગી રહી છે. તેમણે ગુજરાતમાં અધિકારી શાસન ચાલી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સામે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, નિયમ પ્રમાણે 3 દિવસનું સત્ર યોજાઇ રહ્યું છે.
જેમાં પ્રશ્નોતરીની જગ્યાએ ટુંકી મુદતના પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. ચોમાસાની કામગીરીમાં વિઘ્ન આવી રહ્યા હતા. એટલે પૂછી શકાય તેવા તમામ પ્રશ્નો મંજૂર રાખવામાં આવ્યા છે. વિરોધ પક્ષની મનોવૃત્તિ કેવળ આક્ષેપો કરવાની રહી છે. આખી વાત જુદા પાટે લઇ જઇ રહ્યા છે. એક પણ બનાવમાં સરકારે સુઓમોટો ન લીધો હોય એવું બન્યું નથી. આ વખતે સત્ર દરમ્યાન 5 વિધેયક પસાર કરાવાશે. જેમાં નશાબંધી હેઠળ જપ્ત કરાયેલા વાહનોનો હવે હરાજીથી નિકાલ કરવા સુધારા વિધેયક, જીએસટી કાઉન્સીલની ભલામણો મુજબ જોગવાઈઓમાં સુધારો સુચવતું વિધેયક, લોકોને કાળા જાદુ, અનિષ્ઠ પ્રથા, લેભાગુઓનો શિકાર થતા રોકવા કાયદો ઘડતું વિધેયક, ગુજરાત કોર્ટ વિધેયક અને ગુજરાત ખાનગી સુધારા વિધેયક રજુ થશે

