વિથોણ (તા.નખત્રાણા), તા. 19 : તાલુકાના વેસલપરના પાટીદાર પરિવારને ભરુચ નજીક આજે સવારે વિચિત્ર ગમખ્વાર અકસ્માત નડતા માતા-પુત્ર એવા નિશાબેન અશોકભાઇ પોકાર (ઉ.વ. 48) અને નિર્મિશનું ઘટના સ્થળે મોત નીપજતા અરેરાટી વ્યાપી છે જ્યારે અન્યો ઘાયલોને સારવાર તળે ખસેડાયા છે. આ બનાવના પગલે વેસલપર અને મુંબઇ પાટીદાર સમાજમાં શોકની લાગણી પ્રસરી છે. વેસલપર ખાતે મામેરુ દેવા આવેલા અશોકભાઇ શામજી પોકાર અને અરવિન્દભાઇ શામજી પોકાર આ બન્ને ભાઇઓ પોતાની ગાડી લઇને મુંબઇ જતા હતા ત્યારે ભરુચ નજીક પુલ ઉપર વિચિત્ર કહેવાય તેવો અકસ્માત સર્જાયો હતો. આ બન્ને ગાડીઓ મુંબઇ જતી હતી ત્યારે અચાનક આગળની ગાડી ટ્રકમાં અથડાઇને ફરી ગઇ હતી. અને બન્ને ગાડીઓ સામ સામે ટકરાતા ગાડીઓનો બુકડો બોલી ગયો હતો. અને ગાડીમાના પરિવારની ચીચીઆરીઓ ઊઠી હતી.
આ અકસ્માતમાં અશોકભાઇ શામજી પોકારના પત્નિ નિશાબેન અને પુત્ર નિર્મિશનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું મામેરુ આપીને પરત મુંબઇ જતા વેસલપરના પરિવારનો માળો ભરુચ નજીક પીંખાઇ ગયો હતો. આ દુર્ઘટનાના સમાચાર મળતા વેસલપર પોકાર પરિવાર તેમજ પાટીદાર સમાજમાં ગમગીનીતા છવાઇ ગઇ હતી. દુર્ઘટનાના સમાચાર મળતા ભરુચ પાટીદાર સમાજના ભાઇઓ વહારે આવ્યા હતા મૃતકના પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી પછી મુંબઇ લઇ જવામાં મદદગાર બન્યા હતા. બન્ને ગાડીઓ નવી હતી. અને અકસ્માત પણ પોતાના સગાભાઇની ગાડી સાથે થવાથી પરિવારનો મોટો આઘાત લાગ્યો હોવાનું વેસલપરના અગ્રણી રવિલાલભાઇ વાલાણીએ અમારા વિથોણના પ્રતિનિધિ શાંતિલાલ લીંબાણીએ જણાવ્યું હતું.
થોડા દિવસ પૂર્વે ટોડીયાના અગ્રણી હરદા જતા કંઠલાલ નજીક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. અને આજે વહેલી સવારે પાંચ વાગ્યાની આજુબાજુ અકસ્માતમાં પાટીદાર માતા-પુત્રના મૃત્યુ થવાથી પરિવાર ઉપર આભ ફાટયું છે. ઘટના સ્થળે જ આક્રંદના દૃશ્યો સર્જાયા હતા. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ સુત્રોના જણાવ્યા મુજબ ટ્રકવાળાએ કાવો મારતા કાર ચાલકે સમતુલન ગુમાવતા બન્ને ગાડીઓ સામ સામે ભટકાઇ હતી. અને પછી પુલની દિવાલ સાથે અથડાઇ હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, ગઇકાલે રાત્રે પણ ભરુચ પાસે અકસ્માતની ગંભીર ઘટના બની હતી. ભરુચના જંબુસરના મગણાદ ગામ પાસે પૂરપાટ આવતી કાર ઊભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયા છે. આ અકસ્માતમાં છ લોકોનાં મોત નિપજ્યા છે જ્યારે અન્ય ચાર લોકો ઇજાગ્રસ્ત છે.

