Ayodhya Ram Mandir Construction Engineering study at IIT Roorkee: અયોધ્યાના રામ મંદિરનું નિર્માણ લોખંડનો ઉપયોગ કર્યા વિના માત્ર પથ્થરોથી કરવામાં આવ્યું છે, આ વિષયને IIT રૂરકી અને સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CBRI)ના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવી શકે છે. CBRI સંસ્થા ભારતમાં બિલ્ડિંગ સાયન્સ અને ટેક્નોલોજીનો વિકાસ અને પ્રચાર કરે છે.
મંદિર નિર્માણના ફૂટેજ IIT અને દિલ્હીના કન્સ્ટ્રક્શન રિસર્ચ સેન્ટરને સોંપાશે
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે છેલ્લા ત્રણ દિવસમાં અયોધ્યામાં આયોજિત એક બેઠકમાં નિર્ણય લીધો છે કે મંદિર નિર્માણના પાંચ વર્ષના વીડિયો ફૂટેજ આ બંને સંસ્થાઓને સોંપવામાં આવશે. આ ફૂટેજનો ઉપયોગ અભ્યાસ સામગ્રી તરીકે કરવામાં આવશે અને તેના પર એક ડોક્યુમેન્ટરી પણ બનાવવામાં આવશે.
શ્રી રામ જન્મભૂમિ પરિસરમાં નિર્માણ કાર્ય અને એન્જિનિયરિંગ તાલીમ પર નવો કરાર
આ માટે ભારતના એન્જિનિયરને ધ્યાનમાં રાખીને, સેન્ટ્રલ બિલ્ડિંગ ઇન્સ્ટિટ્યૂટ સાથે એક કરાર કરવામાં આવશે. આ કરારથી દેશના એન્જિનિયરને રામ મંદિરના નિર્માણના ઇતિહાસ અને ભૌગોલિક પરિસ્થિતિઓ વિશે જાણકારી મળશે. રામ મંદિરનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં છે. ડિસેમ્બર 2025 સુધીમાં, રામ મંદિર અને રામ જન્મભૂમિ પરિસરમાં ઘણાં નિર્માણ કાર્યો પૂરા થઈ જશે.
90 મૂર્તિઓમાંથી 85 આવી પહોંચી
શ્રી રામ જન્મભૂમિ નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે, ‘ગઇકાલે અમે રામ મંદિરના નિર્માણ કાર્યની પ્રગતિની સમીક્ષા કરી હતી. ગઇકાલે મુખ્યત્વે જે બાબત પર વિચાર કરવામાં આવ્યો, તે એ છે કે મંદિરના નીચલા પ્લિન્થ પર મૂર્તિઓ બનાવવામાં આવશે. આ કુલ 90 મૂર્તિઓ છે, જેમાંથી 85 આવી ગઈ છે. જેમાં 3D મૂર્તિઓ લગાવવાની છે.
રામ મંદિરના નિર્માણની યાત્રાનું ટાઇમ-લેપ્સ રેકોર્ડિંગ
મંદિરમાં 5 ટાઇમ-લેપ્સ કેમેરા લગાવવામાં આવ્યા છે, જેમાં મંદિરના નિર્માણ કાર્યની પ્રગતિ રેકોર્ડ થાય છે. આ કેમેરામાં અત્યાર સુધીનું સંપૂર્ણ નિર્માણ કાર્ય રેકોર્ડ થઈ રહ્યું છે. આ રેકોર્ડિંગને મંદિર ટ્રસ્ટની ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ગણવામાં આવશે. એવું નક્કી કરવામાં આવ્યું છે કે ભવિષ્યમાં આ રેકોર્ડિંગ IIT રૂરકીને આપવામાં આવશે, જ્યાં તેનો ઉપયોગ શિક્ષણ અને તાલીમમાં થઈ શકશે. આ સાથે, પાંચ વર્ષની આખી નિર્માણ યાત્રા પર એક ડોક્યુમેન્ટરી બનાવવાનો પણ પ્રયાસ થઈ શકે છે, જેમાં પાંચ વર્ષમાં નિર્માણની શરૂઆત કેવી રીતે થઈ, ખોદકામ અને માટી પરીક્ષણથી લઈને આજ સુધી શું-શું થયું અને કઈ રીતે નવા-નવા પ્રસ્તાવો જોડાયા અને પછી નિર્માણ કાર્ય આગળ વધતું ગયું, તે બધું દર્શાવી શકાશે.
રામ મંદિરનું નિર્માણ કાર્ય અને ફેસડે લાઇટિંગ
આ ઉપરાંત, તેમણે વધુમાં જણાવ્યું કે, અસ્થાયી મંદિરમાં બનેલા સ્મારક અને શહીદોની યાદમાં લગાવેલા ગ્રેનાઇટના પિલરનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. મંદિરનું મોટાભાગનું કામ ઓક્ટોબર 2025 સુધીમાં અને સંપૂર્ણ કાર્ય ડિસેમ્બર 2025 સુધીમાં પૂરું થવાની શક્યતા છે. મંદિરની ફેસડે લાઇટિંગ માટે ત્રણ કંપનીઓનું ડેમોન્સ્ટ્રેશન થશે, અને ત્યારબાદ હાઇબ્રિડ મોડેલ અથવા લીનિયર લાઇટિંગ પસંદ કરવામાં આવશે. આ લાઇટિંગનો ખર્ચ અંદાજે 8 થી 10 કરોડ રૂપિયા થશે.