Nitin Nabin Gujarat Visit: શ્રી કમલમ્‌માં અધ્યક્ષની ‘કડક’ પાઠશાળા, પદનું અભિમાન છોડી લોકો વચ્ચે જવા નીતિન નવીનનો નેતાઓને આદેશ

Arati Parmar
2 Min Read

Nitin Nabin Gujarat Visit: ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને શનિવારે પોતાનો કડક અંદાજ બતાવ્યો હતો. નીતિન નવીને ગુજરાત ભાજપના મુખ્યાલય (ગાંધીનગર શ્રી કમલમ્) ખાતે પાર્ટીના હોદ્દેદારોને સંબોધિત કર્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નીતિન નવીને નેતાઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ જે હોદ્દા પર છે તેનાથી પોતાને બે સ્ટેપ નીચે લઈ જઈને કામ કરે. નીતિન નવીનના પ્રથમ ગુજરાત પ્રવાસમાં ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી બી.એલ. સંતોષ પણ તેમની સાથે પહોંચ્યા છે.

શહેર-જિલ્લા પ્રમુખોને શિખામણ

સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, નીતિન નવીને કહ્યું કે એક જનપ્રતિનિધિની પોતાના વિસ્તાર અને સમાજ પર મજબૂત પકડ હોવી જોઈએ અને આવું થવાથી તેનો સીધો ફાયદો પાર્ટીને થશે. ભાજપના રાજ્યમાં નવનિયુક્ત શહેર અને જિલ્લા પ્રમુખોને ટકોર કરતા નીતિન નવીને કહ્યું કે, “તમે જે પદ પર છો, તેનાથી બે ડગલાં નીચે ઉતરીને કામ કરશો, ત્યારે જ તમને સારા પરિણામો મળશે.” ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે તમામ નેતાઓને પોતાની છબી સુધારવા અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને લોકો સાથે સીધા સંપર્કમાં રહેવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આગામી બે મહિનામાં પાલિકા-મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે, તેવામાં નીતિન નવીનનો આ કડક અંદાજ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે.

- Advertisement -

પોતાના માણસોને સેટ કરો છો…

નીતિન નવીને સોશિયલ મીડિયા પર સક્રિય રહીને પોતાની પકડ મજબૂત કરવાની પણ સલાહ આપી હતી. તેઓ અહીં જ ન અટક્યા, તેમણે ગુજરાત ભાજપના હોદ્દેદારોને આડેહાથ લેતા કહ્યું કે, “તમે પોતાના જિલ્લામાં પોતાના જ માણસોને સેટ કરો છો. જે બાદ તમે જે જિલ્લાના પ્રભારી હોવ છો ત્યાં જઈને ન્યાયની વાતો કરો છો, પરંતુ પોતાના જિલ્લામાં પોતે જ પાર્ટી બની જાઓ છો. આ યોગ્ય નીતિ નથી.” નીતિન નવીન ૨૦ ફેબ્રુઆરીએ ગુજરાત પહોંચ્યા હતા અને ૨૨ ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદીના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ સાંભળ્યા બાદ દિલ્હી પરત ફરશે.

Share This Article