Union Home Minister Amit Shah: આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગીર સોમનાથ જિલ્લાના એક દિવસીય પ્રવાસે આવ્યા હતા. બપોરે સોમનાથ ખાતે હેલિકોપ્ટર મારફતે પહોંચતાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે સોમનાથ મંદિરે દર્શન-પૂજન કર્યા હતા તથા કોડીનાર ખાતે કોડીનાર અને તાલાલા સુગર મિલોના પુનરૂધ્ધાર અને આધુનિકરણનો પ્રારંભ કરાવવાની સાથે ભૂમિપૂજન કર્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રીએ આજે સહકાર રાજ્યમંત્રી અને સહકારી આગેવાનોની ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર ખાતે કોડિનાર અને તાલાલા સુગર મિલોનો પુનરૂધ્ધાર અને આધુનિકરણનો પ્રારંભ કરાવતાં સાથે ભૂમિપૂજન કર્યું હતું. તેમણે આ અવસરે જણાવ્યું કે, ઇન્ડિયન પોટાશ કંપની દ્વારા આ સુગર મિલોની પુનરૂધ્ધારથી આ વિસ્તારનો આથક વિકાસ થશે અને ૧૦ હજારથી વધુ ખેડૂતોના જીવનમાં મોટા પાયે સુધારાનો પ્રારંભ થવા સાથે તેમના જીવનમાં સમૃધ્ધિના દ્વાર ખુલશે.
આ સુગર મિલોની શરૂઆતથી આ વિસ્તારમાં આથક ઉજાસ તો ફેલાશે જ, તે સાથે ખેડૂતો જે રીતે જગતને અન્ન પૂરૂ પાડી અન્નદાતા કહેવાય છે, તે જ રીતે આ સુગર ફેક્ટરી દ્વારા ઇથેનોલ અને તેમાંથી વીજળી બનાવી ઉર્જા તથા ગેસનું ઉત્પાદન થવાનું છે. ઇથેનોલના ઉત્પાદનથી દેશની પેટ્રોલિયમની આયાતમાં પણ ઘટાડો થશે અને ઇથેનોલની નિકાસ કરવા સાથે ભારતના ખેડૂતો ગ્લોબલ બાયોફ્યુઅલ પ્રોડયુસર બની ઉર્જાદાતા પણ બનવાના છે.

