Organic Farming Gujarat: ગુજરાતમાં ઓર્ગેનિક ખેતીનો વ્યાપ મર્યાદિત, અન્ય રાજ્યોની સરખામણીએ ખેડૂતોની ભાગીદારી ઓછી

Arati Parmar
2 Min Read
Organic Farming Gujarat

Organic Farming Gujarat: ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ અને આર્થિક પ્રગતિની ચર્ચા વચ્ચે ખેતી ક્ષેત્રે ઓર્ગેનિક ખેતીનો વ્યાપ વધારવાનો પડકાર યથાવત્ છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ ઘટાડીને કુદરતી પદ્ધતિથી ખેતી કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ ઉપલબ્ધ આંકડા મુજબ ગુજરાત આ ક્ષેત્રે અન્ય કેટલાંક રાજ્યોની સરખામણીએ પાછળ છે.

પરંપરાગત કૃષિ વિકાસ યોજનાના આંકડા અનુસાર, રાજસ્થાનમાં 10,0557 અને ઉત્તર પ્રદેશમાં 8,539 ઓર્ગેનિક ખેતી ક્લસ્ટર્સ નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં માત્ર 759 ક્લસ્ટર્સ છે. મધ્ય પ્રદેશમાં 6,037 અને મહારાષ્ટ્રમાં 2,978 ક્લસ્ટર્સ છે. વર્ષ 2024 અને 2025 દરમિયાન ગુજરાત સરકારે ઓર્ગેનિક ખેતી પાછળ રૂ. 2,096 લાખનો ખર્ચ કર્યો હોવાનું પણ જણાવાયું છે.

- Advertisement -

ખેડૂતોની ભાગીદારીમાં પણ મોટો તફાવત જોવા મળે છે. આંધ્ર પ્રદેશમાં 7,46,976 અને કેરળમાં 3,10,841 ખેડૂતો ઓર્ગેનિક ખેતી સાથે જોડાયા છે. તેની સામે ગુજરાતમાં આ યોજનાનો લાભ લેતા ખેડૂતોની સંખ્યા માત્ર 17,836 છે.

ખેતી હેઠળની જમીન અને ઉત્પાદનના વેચાણની વ્યવસ્થા પણ મહત્વના પડકારો છે. ખેડૂતો ઓર્ગેનિક પાક ઉગાડવા તૈયાર હોવા છતાં પ્રમાણપત્ર મેળવવામાં મુશ્કેલી, યોગ્ય બજારનો અભાવ અને પોષણક્ષમ ભાવની અનિશ્ચિતતા તેમને નિરાશ કરે છે. પરિણામે ઘણા ખેડૂતો રાસાયણિક ખેતી પર આધાર રાખે છે.

- Advertisement -

બીજી તરફ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગામડાઓમાં કાર્યક્રમો યોજે છે. જોકે, આ કાર્યક્રમો પાછળ થતા સરકારી ખર્ચ અને તેમના હરિયાણાના કુરુક્ષેત્ર સ્થિત ફાર્મની મુલાકાતે જતા અધિકારીઓના પ્રવાસ ખર્ચ અંગે પણ સવાલો ઊઠી રહ્યા છે.

નિષ્ણાતો અને ખેડૂતો માટે મુખ્ય જરૂરિયાત માત્ર પ્રચાર નહીં, પરંતુ તાલીમ, સરળ પ્રમાણપત્ર પ્રક્રિયા, બજાર વ્યવસ્થા અને પાકના યોગ્ય ભાવની ખાતરી છે. ગુજરાતમાં ઓર્ગેનિક ખેતીનો વ્યાપ વધારવો હોય તો સરકારને જમીન પર અસરકારક અમલીકરણ અને ખેડૂતોને સીધી મદદ આપવી પડશે.

- Advertisement -
Share This Article