Pennsylvania Gujarati Drug Case: અમેરિકામાં 10 ગુજરાતી સહિત 12 લોકો સામે ડ્રગ્સ અને નાણાંની હેરફેરના આરોપ, તપાસમાં શું સામે આવ્યું?

Arati Parmar
3 Min Read

Pennsylvania Gujarati Drug Case: અમેરિકાના પેન્સિલવેનિયામાં ડ્રગ્સના ગેરકાયદેસર વેચાણ અને કથિત નાણાંની હેરફેરના કેસમાં 12 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. પેન્સિલવેનિયાના ઍટર્ની જનરલની ઑફિસે 14 સપ્ટેમ્બર 2026ના રોજ જાહેર કરેલી માહિતી મુજબ આરોપીઓ પર વિવિધ સ્ટોર્સ અને સ્મોક શૉપ્સ સુધી હાઇ-લેવલ THC પ્રોડક્ટ્સ અને ગાંજો પહોંચાડતા નેટવર્કનો ભાગ હોવાનો આરોપ છે. મીડિયા અહેવાલો અનુસાર આ 12 આરોપીઓમાંથી 10 ‘ગુજરાતી’ છે.

તપાસકર્તાઓના જણાવ્યા પ્રમાણે આ નેટવર્કે અલગ અલગ ગોડાઉનોમાંથી માલ સ્ટોર્સ સુધી પહોંચાડ્યો હતો. ગેરકાયદેસર પ્રવૃત્તિમાંથી મળેલા નફાને છુપાવવા માટે કથિત રીતે ખોટી LLCનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તપાસમાં આશરે 18.7 મિલિયન અમેરિકન ડૉલરના નફા સાથે જોડાયેલા વ્યવહારોના નિશાન મળ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

- Advertisement -

તપાસ ક્યારે શરૂ થઈ અને શું જપ્ત થયું?

આ સમગ્ર તપાસ 2024માં શરૂ થઈ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. કાર્યવાહી દરમિયાન ત્રણ અલગ સ્થળોએ ચાલતા કથિત વિતરણ કેન્દ્ર જેવા ગોડાઉનોમાંથી આશરે દોઢ લાખ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ સ્ટોર્સ અને સ્મોક શૉપ્સમાં સર્ચ વૉરંટ હેઠળ તપાસ કરવામાં આવી હતી.

આરોપીઓમાં દત્તકુમાર પટેલ, ધર્મેશકુમાર પટેલ, માધવ પટેલ, નીરવ પટેલ, પલક પટેલ, દિવ્યેશ પટેલ, કેતનકુમાર પટેલ, રોશનીબહેન પટેલ, અનિલકુમાર પટેલ, મીતુલ પટેલ, નીરવકુમાર વોરા અને અલ્બીનાકુમરનો સમાવેશ થાય છે.

- Advertisement -

બાળકો સુધી THC પ્રોડક્ટ પહોંચ્યાનો આરોપ

પેન્સિલવેનિયાના ઍટર્ની જનરલ ડેવ સનડેએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન કેટલીક THC પ્રોડક્ટ્સ ફ્લેવર્ડ હતી અને તે બાળકોને આકર્ષી શકે તેવી હતી. મીડિયા અહેવાલો મુજબ આ પ્રોડક્ટ્સ સ્મોક શૉપ્સ મારફતે ગ્રાહકો સુધી પહોંચતી હતી, જેમાં શાળાએ જતા બાળકોનો પણ સમાવેશ થતો હોવાનો આરોપ છે.

ગ્રાન્ડ જુરી સમક્ષ એક મહિલાએ એવો દાવો કર્યો હતો કે તેમની ચાર વર્ષની દીકરીએ સ્થાનિક સ્મોક શૉપમાંથી ખરીદેલી THCવાળી ચૉકલેટ ખાધા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.

- Advertisement -

હવાલા અને રોકડની હેરફેરની તપાસ

સ્થાનિક અધિકારીઓને શંકા છે કે કથિત નેટવર્કે બિનઆધિકારિક નાણાકીય માર્ગો મારફતે લાખો ડૉલરની હેરફેર કરી હોઈ શકે છે. તપાસકર્તાઓ હવે કથિત હવાલા ટ્રાન્ઝેક્શન અને રોકડની મૂવમેન્ટને ટ્રૅક કરી રહ્યા છે. કોર્ટના દસ્તાવેજો મુજબ તપાસ દરમિયાન અંડરકવર ઑપરેશન દ્વારા ગોડાઉનમાંથી માલની ખરીદી પણ કરવામાં આવી હતી.

આરોપીઓની ધરપકડ અને આગામી સુનાવણી

તમામ 12 આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. માધવ, નીરવ, અંકિત, પલક અને દિવ્યેશને જામીન બૉન્ડ રજૂ ન કરી શકવાને કારણે વેસ્ટમોરલૅન્ડ કાઉન્ટી જેલ મોકલવામાં આવ્યા હતા. બીજી તરફ અલ્બીના, કેતન, ધર્મેશ અને રોશનીને અનસિક્યૉર્ડ બૉન્ડ પર મુક્ત કરવામાં આવ્યા હતા. આ કેસની પ્રથમ સુનાવણી 23 સપ્ટેમ્બરે રાખવામાં આવી છે.

સરકાર તરફથી કેસની આગેવાની સિનિયર ડેપ્યુટી ઍટર્ની જનરલ રેચલ વ્હીલર કરશે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હાલ તમામ આરોપો માત્ર આક્ષેપો છે અને કોર્ટમાં દોષ સાબિત ન થાય ત્યાં સુધી તમામ આરોપીઓને કાયદા મુજબ નિર્દોષ માનવામાં આવે છે.

Share This Article