PM Modi Program In Surat: ગુજરાતમાં વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન સુરતના લિંબાયતમાં યોજાનારા કાર્યક્રમ અને જાહેરસભા માટે તડામાર તૈયારીઓ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સહિતના આયોજન માટે અંદાજે 31.50 કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ મુકાયો હોવાનું જાણવા મળ્યું છે. આ ખર્ચની રકમ આપવા સુરતના વહીવટીતંત્ર દ્વારા ગુજરાત પાસે માંગણી કરાઈ છે.
આમંત્રણ પત્રિકા, બેનર અને તમામ બ્રાન્ડિંગ અને પબ્લિસિટી વર્ક માટે સૌથી વધુ ખર્ચે થશે
આગામી સાતમી માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના લિંબાયતમાં નિલગીરી સર્કલ ખાતે જાહેરસભાને સંબોધન કરશે. ત્યારબાદ આઠમી માર્ચે નવસારીમાં કાર્યક્રમ યોજવાનો છે. આ દરમિયાન કાર્યક્રમની આમંત્રણ પત્રિકાથી લઈને નાસ્તો-ભોજન, મંડપ, પાર્કિંગ, વાહનવ્યવહાર, ફુટ પેકેટ, પીએમઓના સ્ટાફ તથા ક્રુ મેમ્બર્સ માટે રહેવા-જમવાની વ્યવસ્થા પણ સુરતના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યાનુસાર, સુરતમાં વડાપ્રધાનના એક દિવસના કાર્યક્રમ અને રાત્રિ રોકાણ માટે 31.50 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. સુરત કલેકટર ડો.સૌરભ પારધીએ ગુજરાતના અન્ન નાગરિક પુરવઠા વિભાગ, ગાંધીનગરના અગ્રસચિવ પાસે આ રકમના ખર્ચનો અંદાજ રજૂ કર્યો છે. સૌથી વધુ ખર્ચ આમંત્રણ પત્રિકા, બેનર-હોર્ડિંગ્સ, બ્રાન્ડીંગ કન્ટેન્ટ હોલ્ડીંગ અને પબ્લીટી પાછળ 2.50 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ ઉપરાંત પીવાની પાણી, સેનીટાઇઝેશન, રંગરોગાન, સાફસફાઇ પાછળ પણ મોટો ખર્ચ થશે. વડાપ્રધાનના રોડ શોનું પણ આયોજન વિચારણા હેઠળ છે તે નક્કી થાય તો ખર્ચામાં ઓર વધારો થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં સુરતમાં સાતમી માર્ચનાં કાર્યક્રમમાં મેદની એકત્ર કરવા માટે રાજયનાં જુદા જદા એસટી ડિવિઝનમાંથી 1350 એસટી બસો ભાડે કરવામાં આવી છે. આ એસટી બસો મારફતે મફતમાં સુરતની મુસાફરી લોકોને કરાવવાાં આવશે 1350 એસટી બસ ભાડે કરવાનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. રાજકોટ એસટી ડિવિઝની 100 એસટી બસો અહીં રાજકોટથી સુરત મોકલવામાં આવનાર હોવાથી બે દિવસ સુધી લગ્નપ્રસંગોમાં જવા ઈચ્છુક સામાન્ય પ્રજાજનોને એસટી બસ પકડવા માટે કલાકો સુધી એસટી બસ ડેપોમાં રોકાવવું પડશે.

