Porbandar Visa Fraud Case: પોરબંદરમાં વર્ક વિઝા અપાવવાની લાલચ આપી ૧૨ લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લેવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આણંદમાં સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતા ચિરાગભાઈ હિંડોચાએ જયપુરની એક મહિલા અને કેનેડામાં રહેતા શખ્સ સામે ૭૨.૫૦ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. વિદેશ જવા ઇચ્છતા યુવાનોને યુકે, ન્યુઝીલેન્ડ અને જર્મની મોકલવાની ખાતરી આપી આરોપીઓએ ખોટા દસ્તાવેજો બનાવી આર્થિક લૂંટ ચલાવી હતી, જેના કારણે પોરબંદરના સ્થાનિકોમાં ખળભળાટ મચી ગયો છે.
ઠગ ટોળકીની મોડસ ઓપરેન્ડી અને લલચામણી ઓફરો
ફરિયાદી ચિરાગભાઈ પોરબંદરમાં કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા હોવાથી તેમનો સંપર્ક ‘ઓપર્ચ્યુનિટી ઇન્ટરનેશનલ’ નામના સંગઠન સાથે થયો હતો. કેનેડામાં રહેતા રવિ શેરૂ અને ભારતની ઓપરેશન હેડ શુભ્રા આચાર્યએ તેમને ઝૂમ મીટિંગ દ્વારા વિશ્વાસમાં લીધા હતા. તેમણે ઓફર આપી હતી કે જો ચિરાગભાઈ તેમના ક્લાયન્ટ્સની વિઝા ફાઈલ કરાવશે, તો તેમને કુલ ચાર્જના ૫ થી ૨૦ ટકા સુધીનું કમિશન મળશે. આ લાલચમાં આવીને શિક્ષકે પોતાના ૧૨ જેટલા પરિચિતો અને વિદ્યાર્થીઓને વિદેશ મોકલવા માટે નાણાકીય લેવડદેવડ શરૂ કરી હતી.
૭૨.૫૦ લાખની રોકડ અને બેંક મારફતે ઉચાપત
ચિરાગભાઈએ અલગ-અલગ ક્લાયન્ટ્સ પાસેથી ફી પેટે મેળવેલી રકમ આરોપીઓના ખાતામાં ટ્રાન્સફર કરી હતી. વિગતો મુજબ, અંદાજે ૪૭ લાખથી વધુ રકમ બેંક ટ્રાન્સફરથી, ૧૦ લાખ આંગડિયા અને બેંક મારફતે તથા અન્ય રકમ રોકડા સ્વરૂપે ચૂકવવામાં આવી હતી. કુલ મળીને ૭૨.૫૦ લાખ રૂપિયા ચૂકવ્યા હોવા છતાં, આરોપીઓએ ક્લાયન્ટ્સને નકલી ઓફર લેટર અને ઇનવોઇસ પધરાવી દીધા હતા. જ્યારે લાંબો સમય વીતવા છતાં વિઝા ન આવ્યા અને લોકોએ પોતાના પૈસા પાછા માંગવાનું શરૂ કર્યું, ત્યારે આ છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો.
કાયદાકીય કાર્યવાહી અને વિદેશ જવા ઈચ્છુકો માટે લાલબત્તી
આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જાણવા મળ્યું છે કે મુખ્ય આરોપી મહિલા શુભ્રા આચાર્ય હાલ જયપુર જેલમાં બંધ છે. વિદેશ જવાના ઘેલછામાં લોકો ઘણીવાર એજન્ટોની વાતોમાં આવીને પોતાની જીવનભરની મૂડી ગુમાવી બેસે છે. આ કિસ્સો તેવા તમામ લોકો માટે લાલબત્તી સમાન છે જેઓ સત્તાવાર ચેનલોને બદલે ટૂંકા રસ્તે વિદેશ જવાના સપના જુએ છે. પોરબંદર પોલીસ હવે આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય તત્વો અને નાણાંની રિકવરી માટેના પ્રયાસો તેજ કરી રહી છે.

