Gujarat Election Controversial Statements: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, પરંતુ આ વખતે પ્રજાની પાયાની સમસ્યાઓ પર ચર્ચા કરવાને બદલે નેતાઓ અને ધારાસભ્યો ઉશ્કેરણીજનક નિવેદનબાજી પર ઉતરી આવ્યા છે. ઉમેદવારોની પસંદગી બાદ હવે જ્યારે પ્રચાર વેગીલો બન્યો છે, ત્યારે રાજકીય ગરિમા જાળવવાને બદલે પરસ્પર આક્ષેપબાજી અને વિવાદાસ્પદ શબ્દપ્રયોગોનો સહારો લેવામાં આવી રહ્યો છે. ખાસ કરીને સત્તાધારી પક્ષના કેટલાક નેતાઓ સોશિયલ મીડિયા અને જાહેર સભાઓમાં સંયમ ગુમાવી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.
કુમાર કાનાણીનું વિવાદાસ્પદ નિવેદન અને સોશિયલ મીડિયા પર ઘમસાણ
સુરતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કુમાર કાનાણી એક વિવાદમાં ફસાયા છે. જ્યારે તેઓ સરકારના વિકાસ કાર્યોની વાત કરી રહ્યા હતા, ત્યારે વિરોધ પક્ષના એક કાર્યકરે ટકોર કરી હતી કે પ્રજાના ટેક્સના પૈસે કામ થાય તેમાં શું નવાઈ? આ સાંભળી કાનાણી ઉશ્કેરાઈ ગયા હતા અને વળતો જવાબ આપતા કહ્યું હતું કે, “અમે પ્રજાના પૈસે જ કામ કરીએ છીએ અને તેનો હિસાબ પણ આપીએ છીએ, પણ તું સત્તા પર આવીશ તો શું તારા બાપાના પૈસે વિકાસ કરીશ?” આ નિવેદનને કારણે સુરતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.
અમરેલીમાં કોકિલાબેન કાકડિયાના નિવેદનથી વિવાદ
માત્ર સુરત જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રમાં પણ નેતાઓના બોલ બગડ્યા છે. ધારી-બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડિયાના પત્ની કોકિલાબેન કાકડિયાએ ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન એક અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે સરકારના વખાણ કરતા સમયે જણાવ્યું હતું કે ભાજપ સરકારે ‘વિધર્મીઓના નાશ’ માટે ઝુંબેશ શરૂ કરી છે. સ્થાનિક સ્તરે આ નિવેદન સામે લોકોએ ભારે સવાલો ઉઠાવ્યા છે. ચૂંટણી જીતવા માટે વિકાસના કામોને બદલે ધાર્મિક અને જ્ઞાતિગત ઉશ્કેરણીનો આશરો લેવામાં આવતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
ભાજપે કોંગ્રેસને ઉમેદવારો આપ્યા હોવાનો ચોંકાવનારો દાવો
રાજકોટમાં ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ એક કાર્યક્રમમાં એવો દાવો કર્યો હતો કે કોંગ્રેસને ઉમેદવારો નહોતા મળતા, તેથી ભાજપે તેમને ઉમેદવારો આપ્યા છે. આ નિવેદન બાદ આમ આદમી પાર્ટીના તે આક્ષેપોને વધુ બળ મળ્યું છે કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ છૂપી રીતે સાથે મળીને કામ કરી રહ્યા છે. સામે પક્ષે કોંગ્રેસના લલિત વસોયાએ આ નિવેદનને માનસિક અસ્થિરતા ગણાવી વળતો પ્રહાર કર્યો છે. એકંદરે, આ વખતની ચૂંટણીમાં પ્રજાના વિકાસના પ્રશ્નો નેતાઓના આ વાણીવિલાસ નીચે દબાઈ ગયા હોય તેવું જણાય છે.

