Project VISWAS Gujarat 2026: ગુજરાતના બે મહત્વના મહાનગરો સુરત અને વડોદરામાં ૨૧ માર્ચની સવારથી અત્યાધુનિક ‘નેત્રમ’ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે. પ્રોજેક્ટ ‘વિશ્વાસ’ (VISWAS) હેઠળ તૈયાર કરાયેલા આ કેન્દ્રોનું ઉદ્ઘાટન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી શનિવારે વડોદરા ખાતેથી કરશે. આ પ્રોજેક્ટ દ્વારા શહેરોની સુરક્ષા વ્યવસ્થાને ‘ત્રીજી આંખ’ એટલે કે સીસીટીવી કેમેરાના સજ્જ નેટવર્કથી સુરક્ષિત કરવામાં આવશે. અમદાવાદ બાદ હવે આ બંને શહેરોને પણ હાઈટેક સુરક્ષા કવચ મળવા જઈ રહ્યું છે, જે સ્માર્ટ પોલીસિંગની દિશામાં એક મોટું પગલું છે.
ગાંધીનગરના ‘ત્રિનેત્ર’ સાથે સીધું જોડાણ અને રિયલ ટાઈમ મોનિટરિંગ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિઝન મુજબ કાર્યરત આ પ્રોજેક્ટ હેઠળ વડોદરા અને સુરતમાં સ્થાપિત ‘નેત્રમ’ સેન્ટરો સીધા ગાંધીનગર સ્થિત ‘ત્રિનેત્ર’ કમાન્ડ સેન્ટર સાથે જોડાયેલા રહેશે. આ હાઈટેક સિસ્ટમ દ્વારા પોલીસને શહેરના મુખ્ય જંક્શનો અને સંવેદનશીલ વિસ્તારોની લાઈવ ફુટેજ સતત મળતી રહેશે. જો કોઈ સ્થળે ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાય તો કન્ટ્રોલ રૂમથી સીધું જ પબ્લિક એનાઉન્સમેન્ટ કરીને સૂચનાઓ આપી શકાશે. આ સિસ્ટમ કાયદો-વ્યવસ્થા જાળવવામાં અને ગુનાઓની તપાસમાં ગેમ-ચેન્જર સાબિત થશે.
આધુનિક ટેકનોલોજી અને ખાનગી કેમેરાનું ઈન્ટિગ્રેશન
પ્રોજેક્ટ ‘વિશ્વાસ’ માત્ર સરકારી કેમેરા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં ખાનગી સીસીટીવી કેમેરાની ફુટેજ મેળવવાની પણ ક્ષમતા છે. વિડિયો એનાલિટિક્સના માધ્યમથી પોલીસ દેખરેખ વધુ સચોટ બનશે અને કોઈપણ ઘટના બાદ તેની તપાસમાં આ રેકોર્ડિંગ ‘બ્રહ્માસ્ત્ર’ જેવું કામ કરશે. ૨૦૨૦માં શરૂ થયેલો આ પ્રોજેક્ટ હવે ક્લસ્ટર-૪ હેઠળ સુરત અને વડોદરામાં અમલી બનતા ગુનેગારો પર નજર રાખવી વધુ સરળ બનશે. નાયબ મુખ્યમંત્રીશ્રી આ પ્રવાસ દરમિયાન સુરક્ષા પ્રોજેક્ટ્સની સાથે અન્ય જનહિતલક્ષી વિકાસ કામોનું પણ લોકાર્પણ કરશે.
નરસિમ્હા કોમારના નેતૃત્વમાં ટેકનિકલ પોલીસિંગને નવી ગતિ
ગુજરાતમાં પ્રોજેક્ટ ‘વિશ્વાસ’ને સફળતાપૂર્વક લાગુ કરવાની જવાબદારી વડોદરા પોલીસ કમિશનર અને ટાસ્ક ફોર્સના ચેરમેન નરસિમ્હા કોમાર સંભાળી રહ્યા છે. ૧૯૯૬ બેચના આ આઈપીએસ અધિકારીના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં પોલીસિંગને ટેકનિકલ રીતે મજબૂત બનાવવામાં આવ્યું છે. તેમના જણાવ્યા મુજબ, નેત્રમ સેન્ટરોનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રાફિક મેનેજમેન્ટ સુધારવો અને આધુનિક દેખરેખ દ્વારા નાગરિકોમાં સુરક્ષાનો વિશ્વાસ જગાડવાનો છે. આ ટેકનોલોજીકલ ક્રાંતિથી ગુજરાતના શહેરો હવે વધુ સુરક્ષિત અને સ્માર્ટ બનશે.

