Rain in Gujarat: ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે. અનેક જિલ્લામાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રસ્તા પર ઠેર-ઠેર પાણી ફરી વળ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં છેલ્લા ત્રણ કલાકમાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. અનરાધાર વરસાદના કારણે દધાલીયા ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણ વાહનો પણ તણાયા હતા.
ગ્રામ્ય વિસ્તારોમાં ભારે તારાજી સર્જી
હવામાન વિભાગની આગાહી વચ્ચે અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. મોડાસામાં મંગવારે (23મી જૂન) સવારથી જ મેઘરાજાનો પ્રકોપ જોવા મળ્યો છે. ત્યારે દધાલીયામાં આભ ફાટતા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે. અવિરત વરસાદના કારણે મુખ્ય માર્ગ પર પાર્ક કરેલી બે કાર અને બે બાઈક પાણીમાં તણાઈ ગયા. ગામના રસ્તાઓ અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા ગ્રામજનો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે.
નર્મદા જિલ્લામાં અનરાધાર વરસાદઃ
આજે વહેલી સવારથી નર્મદા જિલ્લામાં અવરિત વરસાદના કારણે પાણી ભરાયાની સમસ્યા સામે આવી છે. નર્મદા જિલ્લામાં વરસાદના કારણે નાંદોદ તાલુકાના વિડયા ગામ ખાતે આવેલી સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. લોકોના ઘરોમાં પણ પાણી ઘુસી ગયા છે. આ સિવાય ડેડીયાપાડાથી રાજપીપળા આવતા યાલ મોવી પુલ વરસાદમાં ધાવાઈ ગયો છે.
બારડોલીમાં મેઘરાજા મહેરબાન
સુરતના બારડોલીમાં વરસાદ આફત બની તૂટી પડ્યો હતો. માત્ર 4 કલાકમાં 4.8 ઇંચ વરસાદ વરસતાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. રસ્તા પર ઠેર-ઠેર પાણી ફરી વળ્યા છે. વહેલી સવારથી શરૂ થયેલા વરસાદના લીધે સ્કૂલો અને ઓફિસ જવા નીકળેલા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ધોધમાર વરસાદના પગલે બારડોલીના જાહેર માર્ગો પર નદીના પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
આજે આ જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગ અનુસાર, મંગળવારે (24 જૂન) વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાહોદ, મહીસાગર તથા દાદરા અને નગર-હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ડાંગમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.