Rajkot Political History Chiman Shukla: ગુજરાતના રાજકારણમાં અત્યારે ‘બિનહરીફ’ થવાની અને ‘પક્ષપલટા’ની જે હોડ જામી છે, તેને જોતા ૪૫ વર્ષ જૂનો એક કિસ્સો યાદ કરવો પ્રસ્તુત છે. ૧૯૮૧માં રાજકોટની ધરતી પર લોકશાહીના મૂલ્યો બચાવવા માટે જનસંઘના પાયાના નેતા સ્વ. ચીમનભાઈ શુક્લએ એક અજોડ લડત આપી હતી. તે સમયે રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપ પાસે ૨૬ અને કોંગ્રેસ પાસે ૨૫ બેઠકો હતી. માત્ર એક બેઠકના પક્ષપલટાએ આખી સત્તા પલટી નાખી હતી, જેની સામે લોકશાહી બચાવવા માટે ચીમનભાઈએ સતત ૨૧ દિવસ સુધી ઉપવાસ કરીને દિલ્હી સુધીના નેતાઓને રાજકોટ દોડી આવવા મજબૂર કર્યા હતા.
સત્તા પરિવર્તન અને ‘તપોભૂમિ’ છાવણીનો સત્યાગ્રહ
વર્ષ ૧૯૮૧માં વોર્ડ નં. ૮ ના ભાજપના કોર્પોરેટર મગનભાઈ સોનપાલે પક્ષપલટો કરતા સત્તા કોંગ્રેસ પાસે જતી રહી હતી. આ ઘટનાને લોકશાહી પર પ્રહાર ગણાવી ચીમનભાઈ શુક્લ મેદાને પડ્યા હતા. તેમણે કેશુભાઈ પટેલ અને અરવિંદ મણિયાર જેવા દિગ્ગજો સાથે મળીને રાજકોટના ત્રિકોણબાગ ખાતે ‘તપોભૂમિ’ નામની છાવણી ઉભી કરી હતી. આ આંદોલનની તીવ્રતા એટલી હતી કે લાલકૃષ્ણ અડવાણી જેવા રાષ્ટ્રીય નેતાઓએ રાજકોટ આવવું પડ્યું હતું. અંતે લોકજુવાળ અને મક્કમ લડત સામે તત્કાલીન સરકારને નમવું પડ્યું અને સમાધાનના ભાગરૂપે ત્રણ કોર્પોરેટરોના રાજીનામા બાદ પેટાચૂંટણી યોજાઈ હતી.
જનતાનો ચુકાદો: પક્ષપલટુઓનો કારમો પરાજય
પક્ષપલટા બાદ યોજાયેલી એ પેટાચૂંટણીમાં રાજકોટની જનતાએ જે ચુકાદો આપ્યો તે આજે પણ રાજકારણમાં સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે. રાજ્ય અને કેન્દ્રમાં સત્તાધારી પક્ષનો પ્રભાવ હોવા છતાં, મતદારોએ પક્ષપલટો કરનારા ઉમેદવારોને સંપૂર્ણપણે નકારી દીધા હતા. પેટાચૂંટણીમાં ત્રણેય ઉમેદવારોનો પરાજય થયો અને ભાજપે ફરી ગૌરવભેર સત્તા હાંસલ કરી હતી. આ ઐતિહાસિક જીત જ પાછળથી દેશમાં ‘પક્ષાંતર વિરોધી કાયદો’ લાવવા માટેનો પાયો બની હતી, કારણ કે જનતાએ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે તેમને પક્ષપલટાનું રાજકારણ સ્વીકાર્ય નથી.
વર્તમાન રાજકારણ અને લોકશાહી સામેના સવાલો
આજના યુગમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ સેંકડો બેઠકો બિનહરીફ થઈ જાય છે, ત્યારે ચીમનભાઈ શુક્લ જેવી આદર્શવાદી લડાઈની ખોટ વર્તાય છે. જે પક્ષપલટાનો એક સમયે ભાજપ વિરોધ કરતું હતું, આજે તે જ રસ્તે સત્તા મેળવવાની ઘટનાઓને નેતાઓ પોતાની સિદ્ધિ ગણાવતા થયા છે. રાજકીય વિશ્લેષકો તેને મતાધિકાર છીનવાઈ જવાની વરવી વાસ્તવિકતા તરીકે જોઈ રહ્યા છે. આજના યુવા નેતાઓ અને વિશ્લેષકોનો એક જ સૂર છે કે પક્ષપલટુ વ્યક્તિ ફરી ચૂંટણી જ ન લડી શકે તેવો કડક કાયદો હોવો જોઈએ, જેથી લોકશાહીની પવિત્રતા જળવાઈ રહે.

