કચ્છના અબડાસા વિસ્તારમાં ઘઉંનું રેકોર્ડ ઉત્પાદન
મનોજ સોની દ્વારા : કોઠારા (તા. અબડાસા), તા. 17 : અબડાસા વિસ્તારમાં ઘઉંનું મબલખ 125 કરોડ જેટલું ઉત્પાદન થયું છે. અબડાસાના ખેડૂતો દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ ઘઉંનું વિપુલ માત્રામાં વાવેતર કરવામાં આવ્યું હતું અને હાલમાં તેનું ઉત્પાદન ચાલુ છે.
એક અંદાજ મુજબ અબડાસામાં 125 કરોડ જેટલું અધધધ કહી શકાય તેટલું ઉત્પાદન થયું છે, જેમાં કોઠારા, વાંકુ, સાયરા, ખીરસરા, વિંઝાણ, લાલા, પરજાઉ, સિંધોડી, ભાનાડા, પૈયા, હાજાપર સહિતના અનેક ગામોમાં વાવેતર કરાયું હતું. હાલમાં કોઠારાની આજુબાજુનાં ગામો સહિત આખા અબડાસામાં આ ધમધમાટ પૂરજોશમાં ચાલી રહ્યો છે, તો પંજાબથી કમ્બાઇન્ડર મશીનો અહીં આવી પહોંચ્યાં છે. જ્યાં જુઓ ત્યાં ઘઉંના વાડીઓ પર ઢગલા દેખાઇ રહ્યા છે. હાલમાં ખેડૂતો સવારથી સાંજ વાડીમાં વ્યસ્ત છે. ઘઉંના એક કિલોના 24થી 28 રૂપિયા ભાવ આવી રહ્યાનું ખીરસરા (કોઠારા)ના ખેડૂત કારણસિંહ સોઢાએ જણાવ્યું હતું. તો, અહીંના શિખ ખેડૂત અગ્રણી ગુરપ્રીતસિંઘે જણાવ્યું કે, આ વખતે કોઠારા વાડી વિસ્તારમાં જ 50થી વધુ ઘઉં કાઢવા માટેના પંજાબથી કમ્બાઇન્ડર મશીન આવ્યાં છે અને એક એકરના 1000 રૂપિયા ચાર્જ લઇ રહ્યા છે, જેનાથી કામ પણ ઝડપથી થઇ જાય છે. આ કાર્ય હજુ એક મહિનો ચાલશે. આમ હાલ સમગ્ર અબડાસામાં ઘઉંની કાપણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.
