Saurashtra Dam Water Level: સૌરાષ્ટ્રના જળાશયોમાં જળસંકટ: 9 ડેમો સંપૂર્ણ ખાલી

Arati Parmar
3 Min Read

Saurashtra Dam Water Level: ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થતા જ પાણીની અછત વર્તાવા લાગી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સ્થિતિ વધુ ગંભીર બની છે, જ્યાં 9 ડેમો અત્યારે મેદાનમાં ફેરવાઈ ગયા છે, એટલે કે તેમાં પાણીનો જથ્થો શૂન્ય ટકા થઈ ગયો છે. રાજ્યના કુલ 30 ડેમો એવા છે જે 90 ટકાથી વધુ ખાલી થઈ ચૂક્યા છે અને આશ્ચર્યની વાત એ છે કે આ પૈકીના 29 ડેમો માત્ર સૌરાષ્ટ્ર વિસ્તારના જ છે. વધતા જતા તાપમાન અને જળવપરાશને કારણે જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે, જે આગામી દિવસોમાં પીવાના પાણીની મોટી સમસ્યા સર્જી શકે છે.

ડેમોની સરેરાશ સ્થિતિ અને જળસંગ્રહમાં મોટો ઘટાડો

સમગ્ર ગુજરાતના જળસંગ્રહની સ્થિતિ જોઈએ તો ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના ડેમોમાં જીવંત જળરાશિ હવે 50 ટકા કરતા પણ ઓછી બચી છે. કચ્છમાં માત્ર 33 ટકા અને સૌરાષ્ટ્રમાં 46.57 ટકા પાણી ઉપલબ્ધ છે. છેલ્લા એક મહિનામાં રાજ્યના નર્મદા સહિતના 206 જળાશયોમાં પાણીના જથ્થામાં અંદાજે 58 હજાર MCFTનો મોટો ઘટાડો નોંધાયો છે. હાલમાં રાજ્યના ડેમોમાં તેમની કુલ સંગ્રહક્ષમતાના માત્ર 63.93 ટકા જ પાણી બચ્યું છે, જે ચિંતાજનક આંકડો કહી શકાય.

- Advertisement -

રાજકોટનો આજી-2 ડેમ છલોછલ, પણ પાણી પીવાલાયક નહીં

જળાશયોની ઘટતી સપાટી વચ્ચે રાજકોટનો આજી-2 ડેમ અત્યારે 100 ટકા ભરેલો છે, પરંતુ આ પાણી શહેરની તરસ છિપાવવા માટે કામનું નથી. આ ડેમની ક્ષમતા 22.09 મિલિયન ક્યુબીક મીટર છે, પણ તેમાં રાજકોટ શહેરની ગટરનું પાણી ટ્રીટ થઈને આવતું હોવાથી તે પીવા માટે અયોગ્ય છે. આ સિવાય રાજ્યના વંસલ અને જવનપુરા જેવા નાના ડેમો પણ ભરેલા છે, પરંતુ તેમની ક્ષમતા ખૂબ જ ઓછી હોવાથી તે મોટા પાયે જળ જરૂરિયાત પૂરી કરી શકે તેમ નથી.

જળ વ્યવસ્થાપન અને આગામી દિવસોનો પડકાર

રાજ્યમાં અત્યારે એક તરફ એવા ડેમો છે જે ખાલી થવાની તૈયારીમાં છે, તો બીજી તરફ 30 જેટલા ડેમોમાં હજુ પણ 70 ટકાથી વધુ જળસંગ્રહ છે. જોકે, સૌરાષ્ટ્રમાં દર વર્ષની સરખામણીએ પાણીનો જથ્થો થોડો વધારે હોવા છતાં, ઉનાળાના આકરા દિવસો બાકી હોવાથી પાણીનો બગાડ અટકાવવો અનિવાર્ય બન્યો છે. જો વરસાદી સીઝન મોડી શરૂ થાય તો અત્યારે ખાલી થયેલા ડેમોને કારણે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પાણી માટે વલખાં મારવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે.

- Advertisement -
Share This Article