Bharuch Municipality General Meeting: ભરૂચ પાલિકાની સામાન્ય સભામાં ધમાસાણ, સમિતિઓ જાહેર થતાં જ સત્તાપક્ષમાં બળવો, જ્યારે વિપક્ષે એજન્ડા ફાડી વિરોધ નોંધાવ્યો

Arati Parmar
3 Min Read

ભરૂચ પાલિકાની સામાન્ય સભામાં ધમાસાણ, સમિતિઓ જાહેર થતાં જ સત્તાપક્ષમાં બળવો, જ્યારે વિપક્ષે એજન્ડા ફાડી વિરોધ નોંધાવ્યો

Bharuch Municipality General Meeting: ૩૦ મિનિટમાં પ્રથમ સામાન્ય સભા સમેટાઈ જતા લોકોમાં અચરજ

- Advertisement -

By: પ્રજ્ઞેશ પાટણવાડીયા, ભરૂચ

ભરૂચ:
ભરૂચ નગરપાલિકામાં વિકાસના મુદ્દાઓ કરતાં હોદ્દાની રાજનીતિ ભારે પડતી હોવાનો દૃશ્ય સામાન્ય સભામાં ખુલ્લેઆમ જોવા મળ્યો હતો. બે મહિનાથી વધુ સમય સુધી અટકાવાયેલી સમિતિઓના ચેરમેનના નામ જાહેર થતાં જ સત્તાધારી ભાજપમાં જ નારાજગી ફાટી નીકળી હતી, જ્યારે વિપક્ષે પ્રજાના પ્રશ્નોની અવગણના થતી હોવાનો આક્ષેપ કરી સભા વચ્ચે એજન્ડા ફાડી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સમિતિઓની રચના માટે છેલ્લા ઘણા દિવસોથી ચાલતી આંતરિક ખેંચતાણનો અંત આવ્યો, પરંતુ જાહેરાત સાથે જ અનેક મજબૂત દાવેદારોને બાકાત રાખવામાં આવતા અસંતોષ ખુલ્લો પડી ગયો. સત્તાપક્ષના કોર્પોરેટર નીનાબા યાદવને કોઈપણ સમિતિમાં સ્થાન ન મળતા તેઓ ખુલ્લેઆમ નારાજ થયા હતા. બાદમાં પક્ષના આગેવાનોએ સમજાવટ કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

- Advertisement -

સભાની શરૂઆતથી જ કોંગ્રેસના સભ્યોએ વોર્ડ નંબર-૮માં દીવાલ ધરાશાયી થતાં થયેલા બે મોત, શહેરમાં બેકાબૂ બનેલા રખડતા ઢોરો, ગંદકી, હિસાબી ગેરરીતિઓ અને અન્ય પ્રજાહિતના પ્રશ્નો ઉઠાવતા શાસક પક્ષ સાથે તીખી બોલાચાલી થઈ હતી. વાત એટલી વણસી કે વિપક્ષે એજન્ડા ફાડી નાખ્યા, જ્યારે શાસક પક્ષે બહુમતીના જોરે તમામ ઠરાવો મંજૂર કરીને સભા ઝડપથી પૂર્ણ કરી દીધી. કારોબારી સમિતિના ચેરમેન તરીકે પ્રજ્ઞેશ પટેલ સહિત વિવિધ સમિતિઓના ચેરમેનના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જોકે આ જાહેરાત કરતાં વધુ ચર્ચા હોદ્દા ન મળેલા સભ્યોની નારાજગી અને રાજકીય ખેંચતાણની રહી હતી. સભા બાદ કોંગ્રેસના સભ્ય સમસાદ અલી સૈયદે શાસક પક્ષ પર પ્રજાના પ્રશ્નોથી ભાગવાનો આરોપ લગાવ્યો હતો. જીગ્નેશ બ્રહ્મભટ્ટે શહેરમાં રખડતા ઢોરો અને જાહેર સુરક્ષાના મુદ્દે ગંભીર ચર્ચાની માંગ કરી હતી. બીજી તરફ પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાએ તમામ આક્ષેપોને ફગાવી વિકાસ કાર્યોને ગતિ મળશે એવો દાવો કર્યો હતો. પરંતુ હકીકત એ છે કે ભરૂચ શહેર આજે પણ ગંદકી, તૂટેલા રસ્તાઓ, દબાણો, રખડતા ઢોરો અને નબળી નાગરિક સુવિધાઓથી પીડાઈ રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે નવી સમિતિઓ ખરેખર શહેરના પ્રશ્નો ઉકેલે છે કે પછી હોદ્દા વહેંચવાની રાજનીતિમાં જ સમય પસાર થશે.

બોક્સ:
૨૫ મુદ્દા માત્ર ૩૦ મિનિટમાં મંજૂર, ચર્ચા પર ઉઠ્યા સવાલ

- Advertisement -

ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા અંદાજે ૩૦ મિનિટમાં પૂર્ણ થઈ ગઈ હતી. આ દરમિયાન વિવિધ સમિતિઓની રચના ઉપરાંત કુલ ૨૫ મુદ્દાઓને બહુમતીથી મંજૂરી આપવામાં આવી હતી. વાર્ષિક હિસાબ સહિતના મુદ્દાઓ પર સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે તીવ્ર ચર્ચા છતાં તમામ એજન્ડા ઝડપથી પસાર થતાં લોકોમાં આશ્ચર્ય જોવા મળ્યું હતું. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે મહત્વના જનહિતના પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા ટાળવામાં આવી અને સભાનું સમાપન ઉતાવળમાં કરવામાં આવ્યું, જ્યારે શાસક પક્ષે આ આક્ષેપોને ફગાવી વિકાસલક્ષી નિર્ણયોને પ્રાથમિકતા આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

Share This Article