ફ્યુઅલ સરચાર્જમાં પ0 પૈસાનો ઘટાડો કરી લોકસભાની ચૂંટણી પહેલા ગ્રાહકોને ભેટ આપી છે.

newzcafe
2 Min Read

ફ્યુઅલ ચાર્જમાં 50 પૈસાનો ઘટાડો થતાં ગુજરાતમાં વીજળી સસ્તી થઇ


રાજકોટ, તા.9 : રાજ્ય સરકારે ફ્યુઅલ ચાર્જમાં એક ઝાટકે 50 પૈસાનો ઘટાડો કરતા રાજ્યની સરકારી વીજ વિતરણ કંપનીઓના 1.74 કરોડ જેટલા વીજ ગ્રાહકોને તેનો સીધો ફાયદો મળશે. ગઈકાલે કેન્દ્ર સરકારે રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યા બાદ આજે રાજ્ય સરકારે ફ્યુઅલ સરચાર્જમાં પ0 પૈસાનો ઘટાડો કરી લોકસભાની ચૂંટણી પહેલા ગ્રાહકોને ભેટ આપી છે.


 


 તેનાથી સરકારી વીજ કંપનીના ગ્રાહકોને વીજ બિલમાં 50 રૂપિયાથી લઈ 600 રૂપિયા સુધીનો ઘટાડો થશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફ્યુઅલ સરચાર્જમાં સામાન્ય રીતે વધારો જ ઝીંકવામાં આવતો હોય  છે. લાંબા વખત પછી તેમાં ઘટાડો કરાયો છે. 50 પૈસાનો ઘટાડો કરાતા અત્યાર સુધી 3.35 રૂપિયાનો ફ્યુઅલ સરચાર્જ હતો તે હવે રૂા.2.85 થયો છે. સરકારી વીજ વિતરણ કંપની જેમની પાસેથી વીજળી ખરીદતી હોય છે તેમને ઓછા દરે વીજળી મળશે. જેનો સીધો લાભ ગ્રાહકોને પહોંચાડવામાં આવી રહ્યો છે. 


 


જાન્યુઆરી-ફેબ્રુઆરીની પાછલી અસરથી તે લાગુ કરવાનું નકકી કરવામાં આવ્યું છે. કોલસા, લીગ્નાઇટ, ગેસ જેવાં ઇંધણથી ઉત્પન્ન થતી વીજળીમાં સરચાર્જ લેવામાં આવે છે. પીજીવીસીએલનાં સૂત્રોએ કહ્યું કે, વીજ ગ્રાહકોને બિલમાં રૂા.50થી 600 સુધી ફાયદો થઈ શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં બાવન લાખ વીજ ગ્રાહકો છે અને દર મહિને તેઓને 125 કરોડથી વધુની રાહત થવાનો અંદાજ છે. પાછલી અસરથી સરચાર્જ ઘટાડવામાં આવ્યો હોવાથી 400-500 કરોડનો ફાયદો અંદાજી શકાય છે. ગુજરાતની ચારેય વીજ વિતરણ કંપનીઓના 1.74 કરોડ વીજ ગ્રાહકોને આ વીજ રાહત મળશે અને કુલ રાહત 1000 કરોડથી અધિકની થવા જાય છે.  રાજ્યમાં સોલાર પાવરનો વપરાશ વધવાને કારણે પણ આ ફેરફાર થયા હોવાનું વીજ અધિકારીએ જણાવ્યું હતું.

Share This Article