Seva Yagna Samiti Humanitarian Aid: ઝાંસીથી બાંદ્રા જતી ટ્રેન રદ થતાં મુસાફરો મુશ્કેલીમાં, સેવા યજ્ઞ સમિતિ બની સહારો
By: પ્રજ્ઞેશ પાટણવાડીયા, ભરૂચ.
ભરૂચ:
મુંબઈમાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતાં રેલ વ્યવહારને વ્યાપક અસર પહોંચી હતી. તેના પરિણામે ઝાંસીથી મુંબઈના બાંદ્રા સ્ટેશન જતી ટ્રેન નંબર ૨૨૧૯૫ ને ભરૂચ રેલવે સ્ટેશન ખાતે જ રોકી દેવામાં આવી હતી. કલાકો સુધી ટ્રેન ઊભી રહેતાં સેંકડો મુસાફરો ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા હતા. લાંબા સમય સુધી કોઈ સ્પષ્ટતા ન મળતાં મુસાફરો ભૂખ અને તરસથી પરેશાન બન્યા હતા. આવી વિકટ પરિસ્થિતિમાં સેવા યજ્ઞ સમિતિ, ભરૂચના સેવાભાવીઓ તાત્કાલિક મદદે પહોંચ્યા હતા. સમિતિ દ્વારા મુસાફરોને નાસ્તો, પીવાનું પાણી અને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી હતી, જેના કારણે મુશ્કેલીમાં મુકાયેલા મુસાફરોને મોટી રાહત મળી હતી.
મુંબઈમાં વરસાદની સ્થિતિ વધુ ગંભીર બનતાં રેલવે તંત્રએ અંતે ભરૂચથી જ ટ્રેનને રદ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ જે મુસાફરોને અન્ય સ્થળોએ જવાનું હતું તેમને ઉપલબ્ધ અન્ય ટ્રેનોમાં વ્યવસ્થા કરીને રવાના કરવામાં આવ્યા હતા. જ્યારે વધુ સમય સુધી ફસાયેલા અને મુસાફરી પૂર્ણ ન કરી શકેલા મુસાફરોને રેલવેના નિયમો મુજબ ટ્રેન ભાડાની નિયત રકમ પરત કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. આકસ્મિક સંજોગોમાં સેવા યજ્ઞ સમિતિએ ફરી એકવાર માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમની ત્વરિત અને નિઃસ્વાર્થ સેવાથી પ્રભાવિત થઈ રેલવે પ્રશાસને સમિતિના સેવાભાવીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. મુસાફરોએ પણ આ માનવતાભરી સેવાકીય કામગીરીની પ્રશંસા કરી હતી.

