લો બોલો ! દહેગામનું આખે-આખું ગામ બારોબાર વેચાઇ ગયું !

Reena Brahmbhatt
2 Min Read

અમદાવાદ, તા. 13 : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલી સરકારી કચેરી, નકલી અધિકારીના ચાલી રહેલા ખેલ ચર્ચા જગાવી રહ્યા હતા. ત્યારે આ વચ્ચે દહેગામ તાલુકાનો એક એવો કિસ્સો જે સમગ્ર રાજ્યમાં હાલ ચકચાર મચાવી રહ્યો છે. માનવામાં ન આવે તેવી વાત છે, પણ વાત સાચી છે, 600ની વસ્તી ધરાવતું જૂના પહાડિયા નામનું આખેઆખું ગામ વેચાઈ ગયું છે! બનાવની વિગત પ્રમાણે વાત કરીએ, તો સુજાના મુવાડા પહાડિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં જૂના પહાડિયા ગામ આવે છે.

OLD VILLAGE GUJARAT

- Advertisement -

ગામ માટે જમીન આપનારાઓના વારસદારો દ્વારા ગત તા. 23 જૂનના રજિસ્ટર દસ્તાવેજથી અન્યને વેચી મારી હોવાનું ગ્રામજનોના ધ્યાને આવતાં ખળભળાટ મચી ગયો છે. હાલ દહેગામ મામલતદાર સહિત તંત્ર હરકતમાં આવી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, જૂના પહાડિયા ગામના બ્લોક સર્વે નંબર 142 (જૂનો સર્વે નંબર 6) હે.આરે. ચોરસ મીટર 1-45-97વાળી જમીન 1982, 1987 તથા 2003ના વર્ષમાં સ્ટેમ્પ પેપર તથા સાદા લખાણથી બાનાખત કરીને તેમજ 50ના સ્ટેમ્પ પેપર ઉપર બાંહેધરી કરારથી હાલમાં વસવાટ કરતા અરજદારોએ વેચાણ રાખી હતી. આ સર્વે નંબર પર જ આખેઆખું ગામ વસેલું છે, જે જૂના પહાડિયા તરીકે ઓળખાય છે.

ગામમાં રહેતા રહીશોની મિલકતની આકારણી પણ કરવામાં આવી છે. ગામમાં પાણીનો બોર પણ ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવ્યો છે. તલાટી અને સરપંચ દ્વારા રહીશોને દાખલા પણ આપવામાં આવ્યા છે. મકાનોના વેરાઓ પણ ગ્રામજનો ભરી રહ્યા છે. વેચાણ દસ્તાવેજના આધારે રેકોર્ડમાં કાચી નોંધ પડતાં આ સમગ્ર ભાંડો ફૂટયો હતો, ત્યારે અહીં 50થી વધુ વર્ષથી વસવાટ કરતા ગ્રામજનો હાલ ચિંતિત છે. ગ્રામજનો હાલ તો સરકારી કચેરીના ધક્કા ખાવા મજબૂર બન્યા છે, ગ્રામજનોનો આક્ષેપ છે કે, ખોટા ફોટા અને ખોટા આંકડા તેમજ નકશા દ્વારા અધિકારીઓની મિલીભગતથી આ દસ્તાવેજ થયો છે. આ દસ્તાવેજ ખોટો હોવાથી રદ્દ કરવાની પણ ગ્રામજનો માંગ કરી રહ્યા છે. સમગ્ર મામલો બહાર આવતાં ગ્રામજનો મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે.

- Advertisement -
Share This Article