Kirti Patel New Controversy: સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ ફરી એકવાર કાયદાકીય મુશ્કેલીમાં મુકાયા છે. સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં તેમની સામે નવો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનની બહાર કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈને હોબાળો મચાવવા સાથે જોડાયેલો છે. આ કેસમાં કીર્તિ પટેલની સાથે ભાવનગરના સસ્પેન્ડેડ પોલીસ કર્મી નૈના બારૈયાનું નામ પણ સામેલ છે.
શું છે સમગ્ર મામલો?
ભાવનગર જિલ્લાના બોરડા ગામના સરપંચના પતિ અને વેપારી રાજુ ભમ્બરે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ:
પૂર્વ આયોજિત કાવતરું: ફરિયાદીનો આરોપ છે કે કીર્તિ પટેલ અને નૈના બારૈયાએ પૂર્વ આયોજિત રીતે તેમના પરિવારને સોશિયલ મીડિયા પર નિશાન બનાવી તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે.
લિવ-ઈન રિલેશનશિપનો વિવાદ: રાજુ ભમ્મરે જણાવ્યું છે કે તેઓ અગાઉ નૈના બારૈયા સાથે લગભગ 21 મહિના સુધી લિવ-ઈન રિલેશનશિપમાં હતા. સંબંધ પૂરો થયા બાદ નૈના બારૈયાની ઉશ્કેરણીથી કીર્તિ પટેલે આ બદનક્ષીનું કાવતરું ઘડ્યું હોવાનો આક્ષેપ છે.
ધમકી અને અભદ્ર ભાષા: 5 જૂન 2026 ના રોજ કીર્તિ પટેલે ફરિયાદીને વોટ્સએપ કોલ કરીને તેમની પત્ની (જે ગામના સરપંચ છે) વિશે ગંભીર અને ખોટા આક્ષેપો કર્યા હતા. તેમજ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ધમકી આપી હતી.
પોલીસની કાર્યવાહી
આ ફરિયાદના આધારે પોલીસે કીર્તિ પટેલ અને નૈના બારૈયા વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 296(b), 351, 356(3), 54(i) અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 67 હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તપાસની જવાબદારી પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. મોરીને સોંપવામાં આવી છે. પોલીસ હાલમાં તમામ ડિજિટલ પુરાવા, સોશિયલ મીડિયા પોસ્ટ અને વિડીયોની ચકાસણી કરી રહી છે.
કીર્તિ પટેલ અગાઉ પણ મારામારી, ધમકી, ખંડણી અને અપહરણ જેવા ગંભીર ગુનાઓમાં જેલવાસ ભોગવી ચૂકી છે. સોશિયલ મીડિયા પર અભદ્ર ભાષાનો ઉપયોગ અને પોલીસ સાથે માથાકૂટના કિસ્સાઓમાં પણ તે અગાઉ ચર્ચામાં રહી છે.

