Gujarat Accident: ફરી એકવાર પ્રયાગરાજથી પરત ફરતા અમરેલી અને ગારીયાધારના બે દંપતીને અકસ્માત નડ્યો હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. આ ગોજારી ઘટનાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રયાગરાજથી પરત ફરતા ગુજરાતના ચાર લોકોના અકસ્માતમાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે અકસ્માતમાં ઘાયલ થયેલ એક દીકરીની હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે.
ગઈકાલે (શુક્રવાર) ઝાંસીથી કાનપુર હાઇવે પર એક અકસ્માત સર્જાતા આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ગારીયાધાર તાલુકાના રૂપાવટી ગામના રહેવાસી બીપીનભાઈ ગોયાણી અને ભાવનાબેન ગોયાણી ના મોત થયા હતા. જ્યારે અમરેલીના દામનગર તાલુકાના ભાલવાવ ગામના દંપતી જગદીશભાઈ વિરાણી અને કૈલાશબેન વિરાણીનું અકસ્માતના બનાવવામાં મૃત્યુ થયું હતું.
આ બનાવના કારણે રૂપાવટી અને ભાલવાવ ગામમાં દુઃખની લાગણી પ્રસરી છે. અકસ્માતની ઘટના બાદ હાલ તમામ મૃતકોને તેમના વતન ખાતે લાવવામાં આવી રહ્યા છે. આ ઘટનામાં કુલ બે દંપતીના મોતથી અરેરાટી મચી જવા પામી છે… ઉલ્લેખનીય છે કે, પ્રયાગરાજ ખાતે આયોજીત મહાકુંભ મેળામાં કરોડો લોકોએ આસ્થાની ડૂબકી લગાવી હતી. હવે મહાકુંભની પુર્ણાહુતી થઈ છે.

