શું ગુજરાત રાજ્યમાં 7.58 લાખ બાળકો ભણતાં જ નથી?

Reena Brahmbhatt
2 Min Read

અમદાવાદ, તા. 9 : રાજ્યના 7.58 લાખ જેટલા અનટ્રેસ અને ડ્રોપઆઉટ બાળકોનો સર્વે કરી તેમને પુન: શાળામાં દાખલ કરવા માટેની કાર્યવાહી શરૂ કરાઇ છે. 30 નવેમ્બર સુધીમાં તમામ પ્રકારની કામગીરી પુર્ણ કરવા આદેશ અપાયો છે. ધો. 9થી 10નો ડ્રોપઆઉટ 23.28 છે. અગાઉ ઓક્ટોબર અને એપ્રિલ દરમિયાન સર્વે થયો હતો. જેમાં 1.15 લાખ બાળકોની એન્ટ્રી થઇ હતી. આમ, છતાં હજુ મોટી સંખ્યામાં બાળકો અનટ્રેક હોવાથી તેમનો સર્વે કરવા માટે જણાવાયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સમગ્ર શિક્ષા અંતર્ગત દર વર્ષે વિવિધ કારણોથી શાળા બહાર રહેલા 6થી 19 વર્ષની વયજૂથના બાળકો અને જેઓ પોતાનું ધોરણ-1થી 12નું શિક્ષણ પુર્ણ કરી શક્યા નથી તેવા શાળા બહારના બાળકોનો સર્વે કરી તેમના શૈક્ષણિક પુનર્વસનની કામગીરી કરાય છે.

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર છે, જે અન્વયે બાળકોનો સર્વે કરીને બાળકોની વયને અનુરૂપ શૈક્ષણિક પુનર્વસન અને જરૂર પડે તો ખાસ તાલીમ અપાય છે. શિક્ષણ વિભાગના ડાયસના ડેટા મુજબ પ્રારંભિકથી માધ્યમિક કક્ષાનો ટ્રાન્ઝીશનરેટ ઓછો છે. ધોરણ-6થી 8 અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ ડ્રોપઆઉટ રેટ વધારે છે, આ બાળકોને મુખ્યધારામાં લાવવા માટે બાળકોનો સર્વે કરવા માટે આદેશ અપાયો છે.

- Advertisement -

રાજ્યના ધોરણ-1થી 5નો ડ્રોપઆઉટ રેટ 1.17, ધોરણ-1થી 7નો ડ્રોપઆઉટ રેટ 2.68, ધોરણ-9થી 10નો ડ્રોપઆઉટ રેટ 23.28 અને ધોરણ-11થી 12નો ડ્રોપઆઉટ રેટ 6.19 છે. આ ઉપરાંત શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાળકની વયકક્ષા મુજબ જે તે ધોરણમાં નામાંકનના પ્રયાસો કરવામાં આવે છે. ધોરણ-5ના તમામ બાળકો ધોરણ-6માં પ્રવેશે તે માટે અને ધોરણ-8ના તમામ બાળકો ધોરણ-9માં નામાંકન થાય તેના માટેના પ્રયાસો કરાયા છે, છતાં ઘણા બાળકો અનટ્રેક રહેલા છે.

Share This Article