Surat 2000 Cr Cyber Fraud: સાયબર ફ્રોડ માટે એકાઉન્ટ ખોલાવી કીટ અને સીમકાર્ડ મોકલવાના રેકેટમાં આરબીએલ બેન્કના જે 89 એકાઉન્ટમાં 1455 કરોડના નાણાંકીય વ્યવહારો માત્ર છ મહિનાના સમયગાળામાં થયા હતા. આ એકાઉન્ટ ખોલાવવામાં બેન્કના અધિકારીઓ અને ત્રણ બ્રાન્ચ-વેસુ, સહારા દરવાજા અને વરાછાના કર્મચારીઓની સંડોવણી સામે આવી હતી. જેની તપાસ કરી રહેલી ઉધના પોલીસની સીટે આરબીએલ બેન્કના એરીયા હેડ, ઓપરેશન હેડ, મહિલા કર્મચારી સહિત કુલ આઠ કર્મચારીની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કૌભાંડ
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉધના પોલીસને વાહનચેકિંગ દરમિયાન મોપેડ પર મળેલા રોનક સંદિપ સુદાણીની ડીકીમાંથી અલગ-અલગ નામવાળા પાનકાર્ડ અને પ્રોપરાઇટરના સ્ટેમ્પ મળી આવ્યા હતા. તેની તપાસ કરાતા સાયબર ફ્રોડ માટે એકાઉન્ટ ખોલાવી કીટ અને સિમકાર્ડ મોકલવાનું રેકેટ પકડાયું હતું. પૂછપરછના આધારે ઉધના પોલીસે બાદમાં કિરાત જાદવણ અને મીત ખોખારને સાત મોબાઈલ ફોન, 21 ડેબિટ કાર્ડ, 30 ચેકબુક, 3.84 લાખ રોકડ, કોમ્પ્યુટર, લેપટોપ, નોટ ગણવાનું મશીન, સ્ટેશનરી કટર મશીન વગેરે મળી કુલ રૂ.7.02 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
2000 કરોડથી વધુનું કૌભાંડ
આ મામલે પોલીસ પૂછપરછમાં સારોલી રાજ ટેક્ષટાઇલ ટાવરમાં ઓફિસ ધરાવતા કિરાત અને તેની સાથેના મીતે કબૂલાત કરી હતી કે, તેઓ છેલ્લા નવ મહિનાથી અલગ-અલગ એકાઉન્ટ ધારકોને લાલચ આપી વિવિધ બેન્કમાં એકાઉન્ટ ખોલાવ્યા હતા. બાદમાં તેમના નવા એકાઉન્ટની કીટ અને તેના એકાઉન્ટમાં રજીસ્ટર્ડ કરાવેલા મોબાઈલ નંબરનું સિમકાર્ડ લઈ લેતા હતા. ત્યારબાદ તેઓ તે કીટ અને સિમકાર્ડ દિવ્યેશ ચક્રાણી સાથે મળી દિલ્હીના વિનીત પ્રસાદને મોકલી આપતા હતા. ત્યાંથી તેને સાયબર ફ્રોડ કરનારાઓને પહોંચાડતા હતા. જોકે, બાદમાં પોલીસની તપાસમાં આ કૌભાંડ 2000 કરોડથી વધુનું હોવાનો પણ ખુલાસો થયો હતો.