Surat daughter kills father: ગુજરાતના સુરતમાં મોબાઇલ પર ગેમ રમવા મુદ્દે થયેલા વિવાદમાં 22 વર્ષની યુવતીએ પોતાના 55 વર્ષના પિતાની હત્યા કરી દીધી. પિતાએ ગેમ રમવાની ના પાડી અને ગુસ્સામાં મોબાઇલ જમીન પર પછાડીને તોડી નાખ્યો હતો. આ વાતથી નારાજ પુત્રીએ પહેલાં પ્રેશર કૂકરના ઢાંકણાથી હુમલો કર્યો અને ત્યારબાદ ચાકુના ઘા મારીને તેમની હત્યા કરી દીધી. પોલીસે આરોપી પુત્રીની ધરપકડ કરી લીધી છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, આ ઘટના સુરતના કોસાડ વિસ્તારમાં બની હતી. રવિવારે જ્યારે 55 વર્ષીય રમેશ ચૌહાણ કામ પરથી ઘરે પરત ફર્યા ત્યારે તેમની પત્ની મંજુએ ફરિયાદ કરી હતી કે પુત્રી કાજલ (22) આખો દિવસ ફોન પર ગેમ રમતી રહે છે અને ઘરના કામકાજમાં કોઈ મદદ કરતી નથી.
ત્યારબાદ રમેશ ચૌહાણે કાજલને ફોન બાજુ પર મૂકીને ઘરના કામમાં મદદ કરવા કહ્યું હતું. જ્યારે કાજલે તેમની વાત માની નહોતી, ત્યારે ગુસ્સે થઈને રમેશે તેના હાથમાંથી મોબાઇલ છીનવી લીધો હતો અને જમીન પર પછાડીને તોડી નાખ્યો હતો.
કૂકરના ઢાંકણા અને ચાકુથી જીવલેણ હુમલો
મોબાઇલ તૂટી જતાં કાજલ ગુસ્સે થઈ ગઈ હતી. તેણે રસોડાના પ્લેટફોર્મ પર રાખેલું પ્રેશર કૂકરનું ઢાંકણું ઉપાડ્યું અને પિતા રમેશના માથા પર પૂરી તાકાતથી માર્યું હતું. આ પછી પણ તેનો ગુસ્સો શાંત થયો નહોતો, તેથી તેણે ચાકુ ઉપાડીને પિતા પર એક પછી એક ઘા કર્યા હતા.
રમેશની ચીસ સાંભળીને મંજુ દોડીને રસોડામાં પહોંચ્યાં ત્યારે તેમણે જોયું કે પતિ લોહીલુહાણ હાલતમાં જમીન પર પડ્યા હતા અને તેમના માથા તથા પેટમાંથી મોટા પ્રમાણમાં લોહી વહી રહ્યું હતું.
પોલીસે આરોપી પુત્રીની ધરપકડ કરી
ઘાયલ રમેશ ચૌહાણને તાત્કાલિક નજીકની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટના બાદ પત્ની મંજુની ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો અને રવિવારે મોડી રાત્રે જ આરોપી કાજલને અટકાયતમાં લીધી હતી.
પોલીસ ઇન્સ્પેક્ટર જે. બી. વાનરે ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે મોબાઇલ ગેમિંગના સામાન્ય વિવાદે આટલું ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું અને પિતાની હત્યા થઈ ગઈ હતી.
પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે કાજલના જૈવિક પિતાનું થોડાં વર્ષો પહેલાં સૌરાષ્ટ્રમાં મોત થયું હતું. ત્યારબાદ તેની માતા સુરત આવી ગઈ હતી અને તેણે રમેશ ચૌહાણ સાથે લગ્ન કરી લીધાં હતાં. હાલ પોલીસ આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

