Surat Temple Washroom Suicide: ગુજરાતના ડાયમંડ સિટી સુરતથી હૃદય હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. સુરતના એક મંદિરના વોશરૂમમાં કોલેજની બે વિદ્યાર્થિનીઓએ પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટના સામે આવતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સુરતના બહારના વિસ્તારમાં આવેલા આ મંદિરમાં બંને વિદ્યાર્થિનીઓએ એનેસ્થેટિક ડ્રગ્સનું ઇન્જેક્શન લગાવીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના ગુજરાતના પ્રભાવશાળી સ્વામિનારાયણ સંપ્રદાયના એક મંદિરના વોશરૂમમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધી કોઈ સુસાઈડ નોટ મળી નથી.
બંને વિદ્યાર્થિનીઓ બાળપણથી હતી બહેનપણીઓ
રિપોર્ટ અનુસાર, 18 અને 20 વર્ષની બે કોલેજ કન્યાઓએ કથિત રીતે સુરતના સાણિયા ગામમાં આવેલા આત્મીય સ્વામિનારાયણ મંદિર ના વોશરૂમમાં પોતાને એનેસ્થેટિક ડ્રગ્સનું ઇન્જેક્શન લગાવી દીધું હતું. પોલીસને શુક્રવારે રાત્રે તેમના મૃતદેહ પાસેથી દવાની શીશીઓ અને સિરીંજ મળી આવી હતી. સીસીટીવી ફૂટેજમાં બાળપણની આ બહેનપણીઓ સાણિયા ગામના આત્મીય સંસ્કાર ધામ સ્વામિનારાયણ મંદિરના વોશરૂમમાં પ્રવેશતી કેદ થઈ છે. મૃતક વિદ્યાર્થિનીઓની ઓળખ ડિંડોલીની રામી પાર્ક સોસાયટીમાં રહેતી રોશની સિરસાઠ અને જ્યોત્સના ચૌધરી તરીકે થઈ છે.
“છોકરીઓ સામાન્ય રીતે બપોરે ઘરે પાછી ફરતી હતી. જ્યારે તેઓ પાછી ન આવી અને ફોનનો જવાબ ન આપ્યો, ત્યારે પરિવારે આખરે પોલીસનો સંપર્ક કર્યો. CCTV ફૂટેજમાં છોકરીઓ સવારે 7.44 વાગ્યે વોશરૂમમાં પ્રવેશતી જોવા મળી હતી. દરવાજો અંદરથી બંધ હતો. પોલીસને લાશ પાસે એક ખાલી શીશી, ડ્રગ વાળી ત્રણ શીશી અને ત્રણ સિરીંજ મળી આવી હતી.” — એન.પી. ગોહિલ, એસીપી સુરત
ગુગલ હિસ્ટ્રીમાં મોટો ખુલાસો
પરિવારના સભ્યોની પ્રાથમિક પૂછપરછમાં આ ખતરનાક પગલું ભરવાનું કોઈ કારણ જાણી શકાયું નથી. જોકે, તેમના મોબાઈલ ફોનની તપાસમાં અને ગુગલ સર્ચ હિસ્ટ્રી માંથી જાણવા મળ્યું છે કે તેઓએ જીવલેણ દવાઓ વિશે સર્ચ કર્યું હતું. એટલું જ નહીં, તેઓએ આ માટે Chat GPT ની પણ મદદ લીધી હતી. એક ફોન પર એક એવી મહિલા વિશેના ન્યૂઝ આર્ટિકલનો ફોટો પણ મળ્યો છે, જેણે એનેસ્થેટિક ડ્રગનો ઉપયોગ કરીને આત્મહત્યા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, એક વિદ્યાર્થિની બી.કોમ બીજા વર્ષમાં હતી જ્યારે બીજી પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી.
ડરશો નહીં, વાત કરો
જો તમારા મનમાં આત્મહત્યાના વિચારો આવી રહ્યા હોય, તમે કોઈ મુશ્કેલીમાં હોવ અથવા તમને માનસિક સ્વાસ્થ્ય સહાયની જરૂર હોય, તો તમે નીચે આપેલા હેલ્પલાઈન નંબરો પર સંપર્ક કરી શકો છો. મદદ મેળવવા માટે સંકોચ ન કરો, કોઈને કોઈ તમારી વાત સાંભળવા માટે હંમેશા તૈયાર છે:
AASRA: +91-22-27546669 (24 કલાક ઉપલબ્ધ)
iCall: 9152987821 (સોમવાર થી શનિવાર, સવારે 8 થી રાત્રે 10)
Vandrevala Foundation: +91-9999666555
Tele MANAS (સરકારી હેલ્પલાઇન): 14416 અથવા 1800-891-4416 (નિઃશુલ્ક અને 24 કલાક ઉપલબ્ધ)

