Surendranagar Sugam Portal Issue: રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને ડિજિટલ સેવાઓ ઝડપથી મળી રહે તે માટે શરૂ કરાયેલું ‘સુગમ પોર્ટલ’ (Sugam Portal) સુરેન્દ્રનગરના સ્થાનિક અરજદારો માટે ભારે માથાનો દુઃખાવો સાબિત થઈ રહ્યું છે. આ પોર્ટલ દ્વારા આવકના દાખલા, જાતિના પ્રમાણપત્ર, EWS અને નોન-ક્રિમિલેયર જેવા મહત્વના દસ્તાવેજો ઓનલાઈન ઈશ્યૂ કરવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારોમાં આ ડિજિટલ સેવાનો વ્યાપ સારો છે, પરંતુ સુરેન્દ્રનગર મામલતદાર કચેરીએ લીધેલા એક કડક નિર્ણયના કારણે વિવાદ વકર્યો છે. કચેરી દ્વારા એવો મૌખિક નિયમ થોપી દેવાયો છે કે જ્યાં સુધી અરજદાર સુગમ પોર્ટલ પર પોતાની ઓનલાઈન એન્ટ્રી નહીં કરાવે, ત્યાં સુધી કોઈ પણ પ્રકારના દાખલા કાઢી આપવામાં આવશે નહીં.
શાળા-કોલેજોમાં એડમિશનની મધ્યે અભણ અને ગરીબ વાલીઓને સાયબર કાફેના ધક્કા
હાલ નવી શૈક્ષણિક સિઝન શરૂ થતાં જ શાળા-કોલેજોમાં એડમિશન અને સ્કોલરશિપ મેળવવા માટે વિદ્યાર્થીઓને સરકારી દાખલાઓની સખત જરૂર પડી રહી છે. આવા સમયે ઓનલાઈન એન્ટ્રીની ફરજિયાત શરતે ટેકનોલોજીથી અજાણ, ગરીબ અને અભણ અરજદારોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. સ્થાનિક નાગરિક વિનોદ મકવાણા સહિતના અરજદારોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, જેમની પાસે સ્માર્ટફોન નથી તેઓ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકે? આ મજબૂરીનો ફાયદો ઉઠાવીને ખાનગી કમ્પ્યુટરની દુકાનો અને સાયબર કાફેવાળા ગરીબ વાલીઓ પાસેથી ઓનલાઈન રજિસ્ટ્રેશનના નામે ૩૦૦ થી ૪૦૦ રૂપિયા પડાવી રહ્યા છે. જે દાખલો પહેલાં માત્ર ૨૦ રૂપિયામાં ઓફલાઈન મળી જતો હતો, તેના માટે હવે ગરીબોના ખિસ્સા ખંખેરાઈ રહ્યા છે.
ડેપ્યુટી કલેક્ટર હરેશ મકવાણાની લાંબાગાળાના ફાયદાની દલીલ, હેલ્પ ડેસ્ક ખોલવા માંગ
બીજી તરફ, આ વહીવટી જટિલતા અંગે ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર હરેશ મકવાણાએ (Haresh Makwana) સુગમ પોર્ટલનો બચાવ કરતા જણાવ્યું હતું કે, “આ સરકારની એક અત્યંત ઉત્તમ અને ક્રાંતિકારી યોજના છે. નાગરિકોએ એક જ વાર પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડે છે, ત્યારબાદ આજીવન તેમના તમામ દાખલાઓ રિન્યૂ કરાવવાની કડાકૂટ વિના સરળતાથી ઓનલાઈન નીકળી જાય છે. એકલા ચોટીલા તાલુકામાં જ ૨૦૦૦ થી વધુ લોકો તેનો લાભ લઈ ચૂક્યા છે.” જોકે, પ્રજાની માંગ છે કે જ્યાં સુધી સામાન્ય લોકો આ ટેકનોલોજી શીખી ન જાય ત્યાં સુધી મામલતદાર કચેરીમાં એક ફ્રી હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવે અથવા તો ઓનલાઈન સાથે પરંપરાગત ઓફલાઈન પદ્ધતિ પણ ચાલુ રાખવામાં આવે.

